Get The App

લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ

બાવીસ દિવસના ફલાવર શોમાં થનાર ખર્ચમાંથી શહેરમાં ગરીબો માટે આવાસો બનાવી શકાય

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ 1 - image

અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025

અમદાવાદમાં આજથી ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટર પાલડી ખાતે ફલાવરશો શરૃ થઈ રહયો છે.૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફલાવરશો પાછળ રુપિયા ૨૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.દર વર્ષે શહેરમાં ફલાવરશોનુ આયોજન કરવા કરોડો રુપિયાનુ આંધણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.૨૨ દિવસના આ ફલાવરશોમાં જે ખર્ચ થશે એટલા ખર્ચમાંથી શહેરના ગરીબો માટે આવાસો બનાવી શકાય.પરંતુ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પહેલા લોકોના ટેકસના નાણાંનો ધુમાડો કરીને પણ ભાજપના શાસકો શોમેન શીપ કરવામાં વ્યસ્ત બની ગયા છે. હાલમા લોકોની તેમને પડી નથી.

ભારત એક ગાથા થીમ સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૧૪મા વર્ષે ઈન્ટરનેશનલ ફલાવર શોનો રંગબેરંગી આરંભ થશે.૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા ફલાવરશોને રાજયના મુખ્યમંત્રી ખુલ્લો મુકશે.લોખંડી પુરુષ સરદાર પટેલનું ૩૦ મીટર વ્યાસનું વિશ્વનું સૌથી મોટુ ચિત્ર રજૂ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાની તૈયારી કરાઈ છે.પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન ફલાવર શોનુ મુખ્ય આકર્ષણ બનશે.સોમથી શુક્રવાર સુધી મુલાકાતીઓએ ૮૦ રુપિયા અને શનિ અને રવિવાર તથા રજાના દિવસે રુપિયા ૧૦૦ ટિકીટ માટે ખર્ચવા પડશે. ઓનલાઈન ટિકીટનુ બુકીંગ પણ કરી શકાશે.પ્રાઈમ સ્લોટ માટે રુપિયા ૫૦૦ ટિકીટ માટે ખર્ચ કરવો પડશે.છેલ્લા કેટલાક વર્ષથી કોર્પોરેશન તરફથી ફલાવરશોના આયોજન પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે. ફલાવરશો પુરો થયા પછી મોંઘાદાટ ફૂલો  કે સ્કલપચર કયાં જાય છે, કોને કયા ઉપયોગ માટે આપવામા આવે છે. એની કોઈ સત્તાવાર વિગત કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવતી નથી.રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા મુજબ, આ વર્ષે પણ ફલાવરશો પાછળ ૧૬ કરોડથી વધુ રકમનો ખર્ચ થશે.

સાત   વર્ષમાં ફલાવરશો પાછળ થયેલ ખર્ચ અને આવક

વર્ષ    ખર્ચ(કરોડમાં)  આવક(કરોડમાં)  

૨૦૧૮   ૨.૧૦    ૦.૬૫      

૨૦૧૯ ૨.૬૪  ૦.૯૫

૨૦૨૦ ૨.૨૫  ૧.૬૬

૨૦૨૩ ૫.૪૫  ૨.૬૪

૨૦૨૪ ૧૧.૪૪ ૬.૫૨

૨૦૨૫ ૧૭.૦૦ ૬.૫૦

૨૦૨૬ ૨૦.૦૦ ----