પુત્રીના સીમંતમાં લંડન જતું વેરાવળનું દંપતી પણ ભોગ બન્યું
પુત્ર- પુત્રવધૂ, પુત્રી- જમાઈ લંડનમાં રહે છે
તા.11ના વેરાવળથી નીકળ્યા હતા, કચ્છસ્થિત વેવાઈ અને વેવાણ પણ સાથે હતા, જરગલીનો યુવાન પણ ફ્લાઈટમાં હતો
વેરાવળમાં નવી હવેલી પાસે રહેતા અને બીએસએનએલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા રાજુભાઈ જીમુલીયાના પુત્ર-પુત્રવધૂ, પુત્રી અને જમાઈ લંડનમાં રહેતા હતા. પુત્રીના સીમંતનો પ્રસંગ હોવાથી રાજુભાઇ જીમુલીયા અને તેના પત્ની ભાવનાબેન જીમુલીયા ગઈકાલે લંડન જવા માટે અમદાવાદ નીકળ્યા હતા. કચ્છમાં રહેતા રાજુભાઇના વેવાઈ અને વેવાણ પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી આજે બપોરે દોઢ વાગ્યે તેઓની ફલાઇટ હતી. રાજુભાઇ તેમના પત્ની ભાવનાબેન અને વેવાઈ અને વેવાણ એ ફ્લાઈટમાં સવાર હતા. ફલાઈટમાં સવાર મોટાભાગના મુસાફરો દુર્ઘટનાનો ભોગ બન્યા તેમાં પુત્રીના સીમંત પ્રસંગમાં જતા દંપતિ અને તેના વેવાઈ વેવાણ પણ મોતને ભેંટતાં ગમગીની વ્યાપી ગઈ હતી.
જ્યારે ગીરગઢડા તાલુકાના જરગલીનો નીલ અરવિંદભાઈ ખુંટ સ્ટુડન્ટ વિઝા પર અમદાવાદથી લંડન જતો હતો તે પણ આ ફ્લાઈટની સીટ નં.૭૭ પર સવાર હતો. દુર્ઘટનામાં તેનો પણ ભોગ લેવાતા ગામમાં શોક વ્યાપ્યો હતો.