Gujarat

નડિયાદના ભરતપુરા ગામે રૂ. 2.65 લાખનો દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

By GS TEAM
28 Jun 20252 mins read
નડિયાદના ભરતપુરા ગામે રૂ. 2.65 લાખનો દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

- પીછો કરતા ચાલક ખેતરમાં ગાડી મૂકી ફરાર

- બિયરના 1204 ટીન સહિત રૂા. 12.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર વિરૂદ્ધ ગુનો

નડિયાદ : વીણા ગામના ભરતપુરા પાટિયા પાસે દારૂની હેરાફેરી કરતી ગાડીને નડિયાદ રૂરલ પોલીસે ઝડપી હતી. ગાડીમાંથી રૂા. ૨.૬૫ લાખના બિયરના ૧૨૦૪ ટીન સહિત રૂા. ૧૨.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ રૂલર પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજસ્થાનના ઉદેપુરના રૂપસિંહ સોલંકીએ ગાડીમાં વિદેશી દારૂ વડોદરામાં રહેતા લાલુ સિંધીને મોકલવા ગાડી રવાના કરી છે. 

ગાડીનો ચાલક નડિયાદ થઈ વડોદરા તરફ જવાનો હતો. જેથી નડિયાદ રૂલર પોલીસે બિલોદરા ચોકડી તેમજ વીણા રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે મહુધા તરફથી આવેલી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે યુ ટર્ન મારી મહુધા તરફ ભરતપૂરા પાટિયા સામે ખેતરમાં ઉતારી ગાડી મૂકી નાસી ગયો હતો. 

પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ બિયર ટીન ૧,૨૦૪ કિંમત રૂ.૨,૬૪,૮૮૦નો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી રૂ. ૧૦ લાખની મળી રૂ.૧૨,૬૪,૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ પોલીસે ગાડીના ચાલક, ગાડીના માલિક, દારૂ મોકલનાર રૂપસિંહ સોલંકી (રહે. ઉદેપુર, રાજસ્થાન) તેમજ દારૂ મંગાવનારા લાલુ સિંધી (રહે. વડોદરા) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાંથી વધુ 3 નંબર પ્લેટ મળી

નડિયાદ રૂલર પોલીસે વીણા પાટિયા પાસેથી દારૂ લઈને જતી ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાં પાછળની સીટ પરથી ત્રણ નંબર પ્લેટ મળી આવી હતી. જ્યારે ગાડીની આગળની નંબર પ્લેટ નીકળી જાય તેવી હાલતમાં હતી. ગાડીની પાછળ નંબર પ્લેટ લગાવેલી જ ન હતી.