સુરતની એક અનોખી સ્કુલ જ્યાં વાલીઓ અને શિક્ષકો ભેગા મળીને કરે છે શાળાની સાફસફાઈ
Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓના ઘડતર માટે પ્રયોગો કરતા રહે છે. હાલમાં વેકેશન પુરું થવા જઈ રહ્યું છે અને સોમવારથી શાળા શરું થાય છે ત્યારે વિદ્યાર્થીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં અભ્યાસ કરવા મળે તે માટે શાળાના શિક્ષકો-સ્ટાફ અને વાલીઓ દ્વારા સમુહમાં શાળાની સફાઈ કરવામા આવી છે. શાળાના શિક્ષકો સ્ટાફ અને વાલીઓના આ પ્રયાસને કારણે સોમવારથી ઉઘડતી શાળાએ વિદ્યાર્થીઓને શાળા તદ્દન સ્વચ્છ મળશે તે નક્કી છે.
નબળા શિક્ષણના કારણે સતત વિવાદોમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારી રહી છે. તેવી જ એક શાળા ઉત્રાણના મહારાજા કેમ્પસની છે આ શાળા વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉત્તમ સાબિત થઈ રહી હોવાથી અહીં એડમિશન માટે પડાપડી થઇ રહી છે. જેનું કારણ આ કેમ્પસની શાળાના આચાર્ય-શિક્ષકો અને સ્ટાફ છે. 2017માં આ શાળા શરૂ થઈ ત્યારબાદ દરેક વેકેશન બાદ શાળા દ્વારા એક અનોખો પ્રયોગ શરૂ કરવામા આવ્યો છે તે છે શાળા શરુ થાય તે પહેલાં સફાઈ કરવાનો અનોખો પ્રયોગ. આમ તો શાળા શરું થાય ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા શાળાની સફાઈ કરાવે છે પરંતુ તેમાં અનેક વિવાદ અને ફરિયાદ થાય છે.
ઉત્રાણ મહારાજા કેમ્પસની સામુહિક સફાઈ અંગે આચાર્ય ચેતન હીરપરા કહે છે, 2017માં શાળા શરુ થઈ ત્યાર બાદ દિવાળી અને ઉનાળુ વેકેશન પુરું થવાનું હોય તેના થોડા દિવસ પહેલાં જ શાળાના તમામ ગુરુજનો, સ્ટાફ અને વાલીઓ ભેગા મળીને સફાઈ કરીએ છીએ. બે દિવસ પહેલા છત, પંખા અને દિવાલથી માંડીને ફર્સ તમામને ધોઈને સફાઈ કરવામા આવે છે. જેના કારણે સોમવારે શાળા શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં અભ્યાસ કરવા મળે છે.
આચાર્ય વધુમાં કહે છે, અમે શાળાના ગ્રુપમાં સફાઈનો મેસેજ મુકીએ છીએ તો અનેક વાલીઓ સફાઈ માટે આવવા તૈયાર થઈ જાય છે. પરંતુ તે સંખ્યા વધુ હોય છે તેથી 70 થી 80 જેટલા વાલીઓ અને સ્ટાફ સાથે ગુરુજનો સફાઈમાં જોડાઈ છે. વર્ષમાં બે વખત સફાઈ કરવામા આવે છે અને અમારો હેતુ વિદ્યાર્થીઓ સ્વચ્છ અને સુંદર શાળામાં શિક્ષણ મેળવે તે છે.