વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ કર્યો
Vadodara : વડોદરાના રાવપુરા વિસ્તારમાં અવરજવર દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. બનાવને પગલે એક સાયકલ સવારને ઈજા થઈ છે.
વડોદરામાં ગઈકાલે રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારે રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસની સામે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં અફરાતફરી સર્જાઇ હતી. વૃક્ષ પડે તે પહેલા ઈલેક્ટ્રીકના તારમાં સ્પાર્ક થતા ચાની લારી ધરાવતા સુનિલભાઈ તેમજ અન્ય ગ્રાહકો સમય સૂચકતા વાપરી ભાગી ગયા હતા.
ત્યાર પછી ગણતરીની સેકન્ડમાં જ વૃક્ષ બે લારી તેમજ બરોડા ડેરીના પાર્લર ઉપર તૂટી પડ્યું હતું. જેને કારણે નીચે પાર્ક કાર, રીક્ષા, સ્કૂટર અને સાયકલને ઓછુંવત્તું નુકસાન થયું હતું. આ વખતે સાયકલ પર પસાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઇજા થઈ હતી. આમ વૃક્ષ તુટતા પહેલા થોડી સેકન્ડો મળી જતા અનેક લોકોનો બચાવ થયો હતો.