અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ વેપારી ઝડપાયો
અંકલેશ્વરના સંજાલી ગામ ખાતેના સાનિધ્ય કોમ્પલેક્ષમાં એલસીબીની ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ દુકાન સંચાલકને ઝડપી પાડી 31 બોટલ સહિત કુલ રૂ.34 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે, પાનોલી જીઆઇડીસીના સાનિધ્ય કોમ્પલેક્ષમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાન તથા તેની બાજુના ગોડાઉનમાં સાગર ખટીક નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી ગેસ રિફિલિંગ કરી રહેલ સાગર શાંતિલાલ ઘટીક (રહે-સંજાલી ગામ, અંકલેશ્વર/મૂળ રહે-રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. પાનોલી પોલીસે અલગ અલગ કંપનીના રાંધણ ગેસના નાના-મોટા રૂ.31 હજારની કિંમતના 31 બોટલ, રિફિલિંગ પાઇપ, ઇલેક્ટ્રીક વજન કાંટા સહિત કુલ રૂ. 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જ્વલનશીલ પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવવા બદલ સાગર ખટીકની અટકાયત કરી હતી.