Gujarat

ચૂંટણી સ્ટાફ અને EVM ને કનકાઈ બૂથ પર પહોંચાડવા ટ્રેક્ટર રાખવું પડયું

By GS TEAM
18 Jun 20252 mins read
ચૂંટણી સ્ટાફ અને EVM ને કનકાઈ બૂથ પર પહોંચાડવા ટ્રેક્ટર રાખવું પડયું

વરસાદની અસર : પ્રથમવાર વોટરપ્રૂફ ડિસ્પેચીંગ સેન્ટરનો ડોમ EVMને વરસાદી પાણીથી બચાવવા માટે ખાસ પ્લાસ્ટિકની બેગ તૈયાર કરી ઝોનલ અધિકારીને સોંપાઈ

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે પ્રથમવાર વરસાદના કારણે ઈવીએમને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટીકની બેગ તૈયાર કરાવવામાં આવી છે. વિસાવદરના ડિસ્પેચીંગ સેન્ટર ખાતે પણ પ્લાસ્ટીકનો ડોમ બનાવવાની ફરજ પડી છે. મધ્ય ગીરમાં આવેલા કનકાઈ મથક ખાતે ઈવીએમ અને ચૂંટણી સ્ટાફને પહોંચાડવા માટે જીપ તથા એક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર મોકલવું પડયું છે. 

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ચૂંટણી પ્રક્રિયા યોજાતી નથી પરંતુ વિસાવદરની ચૂંટણી ચોમાસાની સિઝનમાં જ યોજાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વિસાવદર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રથમવાર જ વરસાદમાં મતદાનની પ્રક્રિયા અંગેની કામગીરી કરવાની હોવાથી ચૂંટણી તંત્ર માટે પણ એક પડકાર બની ગયો છે. ઈવીએમ સહિતના સાધનોને વરસાદી પાણીથી ભીંજાય નહી તે માટે ખાસ પ્રકારની 300થી વધુ પ્લાસ્ટીકની બેગ બનાવવામાં આવી છે. આ તમામ બેગ જે તે રૂટના ઝોનલ ઓફિસરોને સોંપવામાં આવી છે. જો મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય બાદમાં ઈવીએમને ડિસ્પેચીંગ સેન્ટર ખાતે લાવવા સમયે વરસાદ હોય તો ઝોનલ ઓફિસર દ્વારા જે તે બુથના અધિકારીને આપવામાં આવશે. બુથ અધિકારી વ્યવસ્થિત રીતે ઈવીએમને પ્લાસ્ટીકની બેગમાં પેકિંગ કરશે.

આજે સવારથી માંડાવડ શૈક્ષણીક સંકુલ ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર ખાતે વરસાદથી રક્ષણ માટે પ્રથમવાર જ પ્લાસ્ટીકનો ડોમ બનાવવામાં આવ્યો છે. કનકાઈ જંગલમાં દર વખતે એક બુથ ઉભું કરવામાં આવે છે જ્યાં જંગલમાં વસવાટ કરતા માલધારી મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી કનકાઈ જવા માટેના રસ્તા પર કાદવ-કિચડ થઈ ગયું છે. આ ઉપરાંત જો વધુ વરસાદ પડે તો નદીમાં પૂર આવે તો વાહનો આવવા-જવાનું પણ બંધ થઈ જાય છે. આવી ગંભીરતાને ધ્યાને લઈ એક જીપમાં મતદાન માટેનો સ્ટાફ ઈવીએમ સહિતની સામગ્રી મોકલવામાં આવી છે. આ વાહનની સાથે ટ્રોલી સાથેનું એક ટ્રેક્ટર મોકલવામાં આવ્યું છે. કેમ કે, જીપ જંગલમાં ફસાઈ જાય તો મુશ્કેલી થાય તેમ છે. ટ્રેક્ટરની ટ્રોલીને પ્લાસ્ટીકથી પેક કરવામાં આવી છે. જો વરસાદ પડે તો નદીમાં પાણી આવે અને જીપ નીકળી ન શકે તો ટ્રેક્ટરમાં ચૂંટણી સ્ટાફ, ઈવીએમને લાવવામાં આવશે.