પહેલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના એક પર્યટકને ઈજા, પિતા-પુત્ર ગુમ : ઘેરી ચિંતા
- એક ઈજાગ્રસ્તને અનંતનાગ સરકારી મેડીકલ કોલેજમાં સારવાર માટે ખસેડાયા, સ્થિતિ સામાન્ય
- ભાવનગર-પાલિતાણાના સિનિયર સિટીઝન-યુવાનોનું 20 જણાંનું ગ્રુપ 15 દિવસના પ્રવાસે ગયું હતું, લાપતા પિતા-પુત્રના પરિવારજનો જમ્મુ-કાશ્મીર જવા રવાના
જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં આજે મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અંધાધૂંધ ગોળીબારીમાં ૨૦થી વધુ પર્યટકોના મોત અને ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-૧૦૪માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.૬૨)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલનો સંપર્ક સાધતા તેમણે આતંકવાદી હુમલામાં ભાવનગરના પ્રવાસીને ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાની ઘટનાને સમર્થન આપતા ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ વગેરે સાથે સ્થાનિક તંત્ર સતત સંપર્કમાં છે.
બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું ૨૦ લોકોનું ગુ્રપ ગત તા.૧૬મી એપ્રિલના રોજ ૧૫ દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું. પ્રવાસીઓ ભાવનગરથી સુરેન્દ્રનગર ગયા હતા અને ત્યાંથી જમ્મુતાવી કટરા ટ્રેનમાં બેસી શ્રીનગર ખાતે આયોજીત મોરારિબાપુની ભાગવદ્ સપ્તાહમાં પહોંચ્યા હતા. ત્યાંથી આજે પહેલગામ ફરવા માટે જતાં અચાનક આતંકી હુમલો થયો હતો. હાલ વિનુભાઈ ડાભીની સ્થિતિ સામાન્ય હોવાનું તથા સ્થાનિક વહીવટી-પોલીસ તંત્ર પણ પરિવારના સતત સંપર્કમાંહોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છએ કે, આ યાત્રાએ ગયેલાં યાત્રિકો વૈષ્ણોદેવી, પંજાબ, રાજસ્થાન થઈ ૩૦મીએ ભાવનગર પરત આવવાના હતા.
પહેલગામની આતંકી ઘટનામાં ભાવનગરના વૃદ્ધને ઈજા થઈ છે, તો કાળિયાબીડના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને ગુ્રપ સાથે જ જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ઉ.વ.આ.૪૨) અને તેમનો પુત્ર સ્મિતભાઈ યતીશભાઈ પરમાર (ઉ.વ.આ.૨૦) આતંકવાદી હુમલા બાદ મિસીંગ થયા છે. બન્ને પિતા-પુત્રની શોધખોળ કરવા છતાં રાત્રિ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. જેના કારણે પરિવારજનો ચિંતાતૂર થયા છે. ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, બે વ્યક્તિ ગુમ થયાની પ્રાથમિક જાણકારી મળી છે. જેથી તેમનો પતો-ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો ગુમસુદા યતીશભાઈના પરિવારજનનો સંપર્ક કરતા તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યતીશભાઈ અને તેમના પુત્ર સ્મિતભાઈનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. રાત્રિના ૯. ૩૦ વાગ્યા સુધી પણ તેમનો સંપર્ક થયો નથી. જેથી પરિવારના પાંચ સભ્યો તાત્કાલિક જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા છે.
સીઆરપીએફ અને પોલીસ સાથે વાતચીત શરૂ : આઈજી
આતંકવાદી હુમલામાં ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભીને ઈજા થયાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો, મેયર, ચેરમેન, ભાજપના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઈજાગ્રસ્તના ઘરે ભરતનગર પહોંચ્યા હતા. જ્યાં ત્યાંની પરિસ્થિતિ અંગે પરિવારજનોને વાકેફ કરી કોઈ ચિંતા ન કરવા આશ્વાસન આપ્યું હતું. ઈજાગ્રસ્તના પરિવારજનોની મુલાકાતે આવેલા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન ડાભીના પિતા વિનુભાઈ ડાભીને આતંકવાદી હુમલામાં સામાન્ય ઈજા થઈ છે. તેમની સ્થિતિ સારી છે. તેમજ પિતા-પુત્ર ગુમ થયા અંગેની માહિતી ચકાસી રહ્યા છે. સમગ્ર મામલે તેઓ સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી વાતચીત કરી માહિતી મેળવી રહ્યા છે તેમ રેન્જ આઈજીએ ઉમેર્યું હતું.