Get The App

સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 594 ફોર્મ ભરાયા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 594 ફોર્મ ભરાયા 1 - image

AI Image 



Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાની 50 ગ્રામ પંચાયતની સામાન્ય, 173 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળી કુલ ૨૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 594 ફોર્મ ભરાયા હતા. જેમાં 50 સરપંચ પદ માટે 123 અને 223 વોર્ડના સભ્ય પદ માટે ૪૭૧ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. મંગળવારે ફોર્મ ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે 22મી જુનના રોજ 295 મતદાન બુથ પર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકામાંથી  લખતર તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં કુલ 50 ગામમાં સરપંચોની મુદત પુરી થઇ જતાં છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી વધુ સમયથી વહિવટદારોનું શાસન ચાલતું હોય, આ ઉપરાંત સદસ્યએ રાજીનામુ આપ્યું હોય, કોઇ સભ્યનું અવસાન થયું હોય કે પછી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોય તેવી કુલ ૧૭૩ પંચાયતના ૨૨૩ સભ્ય માટે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી છે.

૨૨મી જુને 50 ગ્રામ પંચાયતની સામાન્ય, 173 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી સહિત કુલ 223 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. જેમાં 50માંથી ૨૨ ગ્રામ પંચાયત બેઠક પર મહિલા અનામત સરપંચ જાહેર કરાયા છે. 14 પંચાયતમાં સામાજી શૈક્ષણિક પછાત, 7 પંચાયતમાં બિન અનામત સામાન્યનું રોટેશન છે. 

જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 223 વોર્ડના સભ્ય પદ માટે કુલ 471 અને 50 સરપંચ પદ માટે 123 જેટલા લોકોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે જો કે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની તારીખ બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. વઢવાણ તાલુકાના બલદાણા, વડોદ, ટીંબા અને દેદાદરા ગામો સમરસ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે હજુ સત્તાવાર આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

295 સ્થળ પર મતદાન યોજાશે

આગામી ગ્રામ પંચાયતનોની ચૂંટણીમાં કુલ 191905 જેટલા કુલ મતદારો નોંધાયા છે તે પૈકી 99433 પુરૃષ મતદારો અને 92642 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેમજ કુલ 295 મતદાન બુથ પર મતદાન પ્રક્રિયા માટે 778 મતદાન પેટીઓ ફાળવવામાં આવી છે. આગામી તા.22 જુનના રોજ યોજાનાર મતદાર પ્રક્રિયા દરમ્યાન 2060 જેટલા કર્મચારીઓ અને 45 જેટલા ચુંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરપંચ પદના મતદાન માટે ગુલાબી બેલેટ પેપર અને સભ્યો માટે સફેદ બેલેટ પેપર દ્વારા મતાધિકારનો ઉપયોગ કરશે. 

ક્યાં તાલુકામાં કેટલા ફોર્મ રજુ થયા

તાલુકો સરપંચ પદ સભ્ય પદ

ચોટીલા 11 38

ચુડા 02 12

દસાડા 24 96 

ધ્રાંગધ્રા 16   26 

લીંબડી 20 65 

મુળી 13  64

સાયલા 08 29

થાન 14 55

વઢવાણ 15 86

કુલ 123 471

નગર પંચાયતમાં મહિલા ઉમેદવારને આગેવાનના ઇશારે ફોર્મ ન ભરવા દીધાનો આક્ષેપ

વઢવાણ તાલુકાના નગરા ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરતી વખતે મહિલા ઉમેદવાર રમાબેન પ્રવિણભાઇ ગઢવી દ્વારા રાજકીય આગેવાન તાલુકા પંચાયતના ઘનશ્યામભાઇ વસેલીયાના ઈસારે ફોર્મ ભરવા ન દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સમય મર્યાદામાં જ ફોર્મ ભર્યું હોવા છતાં નિયમોની આંટીઘુટી બતાવતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને સીસીટીવી કેમેરાની મદદ લેવાની ફરજ પડી હતી પંરતુ કેમેરા જ ન હોવાનું સામે આવ્યું હતું અને મામલો ગરમાયો હતો.


Tags :