રાજકોટમાં 4 આફ્રિકન યુવતી સહિત કુલ 5 ગેરકાયદે રહેતા હોવાની શંકા

પોલીસે 250 જેટલા આફ્રિકા ખંડના છાત્રોને ચેક કર્યા : અડધો ડઝન હોટલોમાં પણ પોલીસની તપાસ, સમગ્ર કવાયત 12 કલાક સુધી ચાલી
રાજકોટ, : રાજકોટની મારવાડી, દર્શન અને આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકા ખંડના અંદાજે 250 છાત્રોને પોલીસે ચેક કર્યા હતા. જેમાંથી 4 યુવતી સહિત 5 વીઝાની મુદત પુરી થઈ જવા છતાં ગેરકાયદે રહેતાં હોવાની શંકા ઉપસ્થિત થઈ છે. જે અંગે પોલીસે ખરાઈ કરવા તજવીજ હાથ ધરી છે.
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અમુક છાત્રો ડ્રગ્સ, સેકસ અને આલ્કોહોલનું રેકેટ ચલાવતા હોવાની અગાઉ રતનપરના ગ્રામજનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેને કારણે ઉહાપોહ મચી ગયો હતો. આફ્રિકા ખંડના છાત્રો કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદે પ્રવૃતિ ન કરે તે માટે પોલીસે મારવાડી યુનિવર્સિટીમાં સેમિનારનું પણ આયોજન કર્યું હતું. આ ઉપરાંત બીજી કવાયત પણ કરી હતી. જેના અંતે એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ SOG અને ક્રાઈમ બ્રાંચની અડધો ડઝન ટીમોએ આફ્રિકા ખંડના દેશો જેવા કે યુગાન્ડા, તાન્ઝાનિયા, લાયબ્રેરીયા, કેન્યા, સાઉદ સુદાન, નાઈઝીરીયા, ઝામ્બીયા, ઝીમ્બાબવે, કેમરૂન અને રવાન્ડા સહિતના દેશોના અંદાજે 250 છાત્રોના વીઝાની મુદત પુરી થઈ ગઈ છે કે કેમ, જયાં ભાડે રહે છે તે અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે કે કેમ, કોઈ અનૈતિક કે ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે રતનપર, હડાળા, ઘંટેશ્વર, માધાપર અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી.
લીમડા ચોક અને અગાઉ અનૈતિક પ્રવૃતિના કિસ્સાઓમાં ચર્ચામાં આવેલી અડધો ડઝન હોટલોમાં પણ તપાસ કરી હતી. સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલી આ કવાયત મોડી સાંજે 8 વાગ્યા સુધી ચાલી હતી. જે દરમિયાન ચારેક યુવતી અને એક પૂર્વ વિદ્યાર્થી સહિત પાંચ ગેરકાયદે રહેતા હોવાની શંકા જતાં તે અંગે પોલીસે તપાસ કરાવી છે. જો ઓવરસ્ટે એટલે કે ગેરકાયદે રહેતા હોવાનું સાબીત થશે તો પાંચેયને ડીપોર્ટ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ચારેય યુવતીઓ બીઝનેશ વીઝા પર આવ્યાનું બહાર આવ્યું છે.









