Gujarat

કંડલા એરપોર્ટથી ટેકઓફ સમયે સ્પાઇસ જેટના વિમાનનું એક ટાયર નીકળી ગયું

By GS TEAM
12 Sep 20253 mins read
કંડલા એરપોર્ટથી ટેકઓફ સમયે સ્પાઇસ જેટના વિમાનનું એક ટાયર નીકળી ગયું

ઘટનાનો વીડિયો પ્લેનમાં બેઠેલા એક મુસાફરે ઉતારી લીધો છતાં, મુંબઈ સુધી ઉડાન ભરી : એક ટાયર સાથે ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ક્રૂ સહિત 78 મુસાફરો સલામત  

  ગાંધીધામ, : આજરોજ કંડલા એરપોર્ટથી ટેક ઓફ સમયે જ સ્પાઈસ જેટ ના વિમાનનું એક ટાયર નીકળી ગયું હતું. જેના પગલે અમદાવાદ પ્લેન ક્રેસ જેવી દુર્ઘટના ઘટતા ઘટતા માંડ બચી હતી. વિમાનમાંથી ટાયર નીકળતું હોય તે ઘટનાનો વીડિયો પ્લેનમાં બેઠેલા એક મુસાફરે ઉતારી લીધો હતો. જે અંગેની જાણ પ્લેનમાં બેઠેલા 71 મુસાફરોને થતાં તેઓના જીવ તાળવે ચોંટયા હતા. જો કે, પાયલોટે સમય સુચકતા વાપરીને તાકિદે આ અંગેની જાણ મુંબઈ એરપોર્ટ ખાતે કરી હતી ત્યારબાદ મુંબઈ ખાતે વિમાનનું સફળ લેન્ડિંગ થતાં મુસાફરોને હાશકારો થયો હતો.

સ્પાઈસ જેટનું બોમ્બાર્ડિયર DHC-8-400 વિમાને આજરોજ બપોરે 2.39 કલાકે કંડલા એરપોર્ટથી મુંબઈ જવા રનવે નં. 23 પરથી ઉડાન ભરી હતી. ટેક ઓફ થયા બાદ ટાવર કંટ્રોલરને રન વે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતા જોઈ હતી જયારે નિરીક્ષણ ટીમે જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું. એરપોર્ટ ઓથોરીટીએ સાવચેતીરૂપે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરી હતી. આ ટેકનિકલ ખામી અંગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે જાણ કરાયા બાદ બપોરે 15.51 વાગ્યે ફલાઈટનું ઈમરજન્સી ઉતરાણ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં રન વે નં.27 ઉપર સુરક્ષિત રીતે ઉતર્યું હતુ, જેના પગલે ક્રૂ સહિત 78 મુસાફરો સુરક્ષિત હતા.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના વરસામેડી ગામની સીમમાં આવેલા અને કંડલા એરપોર્ટ તરીકે ઓળખાતા વિમાન મથક પર એકમાત્ર ફ્લાઇટનું સંચાલન થાય છે. જેમાં દરરોજ બપોરે કંડલા એરપોર્ટથી મુંબઈ જવા માટેની સ્પાઇસ જેટની Q400 ફ્લાઇટને ઓપરેટ કરાય છે. જે મુજબ આજરોજ 12 તારીખે બપોરે પણ સ્પાઇસ જેટનું વિમાન 71 મુસાફરોને લઈ ટેકઓફ થયું હતું. જે દરમિયાન ટેકઓફ થતાંની સાથે જ જમણી તરફનું એક ટાયર ફ્લાઈટમાંથી છૂટો પડી ગયો હતો. જેનો એક મુસાફરે વિડીયો પણ બનાવી લીધો હતો. ફ્લાઈટમાંથી ટાયર છૂટો પડી ગયો હોવાની વાત જાણવા મળતા જ મુસાફરોમાં ફફડાટ  ફેલાયો હતો. 

જો કે, પાયલોટ દ્વારા મુસાફરો શાંત રહે અને સુરક્ષિત લેંડિંગ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જે બાદ પાયલોટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે ટાયર નીકળી ગયું હોવાનું એલર્ટ મેસેજ મૂકી દેવાયું હતું. જેથી મુંબઈ એરપોર્ટ પર એરપોર્ટ સ્ટાફ સ્ટેન્ડ બાય પર હતા. દરમિયાન પાયલોટે મુંબઈ એરપોર્ટ ખાતે ફ્લાઇટની સફળ લેંડિંગ કરાવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે લેન્ડ કર્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેસની ઘટના તાજી જ છે ત્યારે આવી ઘટના પ્લેનમાં બની હોવાની જાણકારી મળતા ફ્લાઇટમાં મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા જોકે સદનસીબે મુંબઈ ખાતે સફળ લેંડિંગ થતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ બાબતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.