જૂનાગઢ પોલીસે મુંબઇના દહીસરથી દબોચી લીધો
ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ઇડર સહિત રાજ્યભરનાં અનેક શહેરોના લોકો સાથે કુલ 70 લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ખુલાસો
જૂનાગઢમાં રહેતા બે વ્યક્તિઓને સસ્તામાં કાર અપાવી દેવા કહી ધવલ પટેલ નામના શખ્સે મુંબઈ આંગડીયું કરાવી લીધુ હતું. એક શખ્સ પાસેથી ર.રપ લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી ૩.૧૦ લાખ લઈ લીધા હતા. કાર-ર૪ના નામે આ છેતરપિંડી કરનાર શખ્સ સામે એ ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. એ ડીવીઝન પોલીસે મોબાઈલ નંબરના આધારે શોધખોળ કરી હતી. છેતરપિંડી કરનાર શખ્સ મુંબઈમાં અલગ-અલગ સ્થળેથી ફોન કરતો હોવાની જાણકારી મળી હતી જેના આધારે એ ડીવીઝન પીઆઈ આર.કે. પરમાર સહિતનો સ્ટાફ મુંબઈ જઈ ત્યાં વોચ ગોઠવી દહીસર વિસ્તારમાં મહેસાણા જીલ્લાના વિસનગરના પિયુષ મહેશ પટેલ (ઉ.વ.૪૩)ને પકડી લઈ જૂનાગઢ લાવ્યો હતો.
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પિયુષ પટેલે જૂનાગઢ, જામનગર, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ઈડર, રાજુલા સહિતના શહેરોમાં આવી રીતે છેતરપિંડી કરી છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ, ત્રણ કોરા ચેક, ડાયરી, ૧૩ અલગ-અલગ કંપનીના સીમકાર્ડ કબ્જે કર્યા છે. પિયુષ પટેલ સામે બોપલ, સેટેલાઈટ, અડાલજ, ઘાટલોડીયા, ક્રિષ્નનગર, ભુજ સહિતના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ર૦ જેટલા ગુના નોંધાયેલા છે. છેતરપિંડી માટે તેણે ૧ર જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ મહા ઠગે ૭૦.૯૦ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે.
વધુ 11 લોકો સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત
અંકલેશ્વરના મહિપતસિંહ સાથે ર.૧૦ લાખ, હનીફભાઈ સાથે ર.૧૦ લાખ, ભરૂચના સલીમભાઈ સાથે ૩.૭૧ લાખ, બોટાદના જુનેદભાઈ સાથે ૩.૮પ લાખ, થરાદના પ્રવિણભાઈ જોષી સાથે ૩ લાખ, અમદાવાદના નીતિનભાઈ પટેલ સાથે ૪.૩૭ લાખ, ગોંડલના રાજભાઈ રાઠોડ સાથે ૩.૭પ લાખ, સંજયભાઈ કોટડીયા સાથે ર.ર૦ લાખ, ઉપલેટાના ભૂપતભાઈ વાંદા સાથે ૩ લાખ, દહેગામના નિરવભાઈ બારોટ સાથે ૩ લાખ અને ભુજના માધાપર ગામના યશભાઈ પટેલ સાથે ૪.૧પ લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે.
એપ પરની જાહેરાત જોઈ કાર ડિલર્સનો સંપર્ક મેળવી લઈને ઠગાઈ કરતો હતો
મહા ઠગ પિયુષ પટેલ ઓએલએક્સ એપ પર કાર વેંચાણ માટેની જાહેરાત જોઈ પોતાની પાસે કાર-ર૪ની ફ્રેન્ચાઈઝી હોવાનું કહી માલિકો સાથે ઉંચા ભાવે કાર ખરીદવાની લાલચ આપી ચાલાકીથી માહિતી મેળવી લેતો અને જે તે શહેરના કાર ડિલરોનો ગુગલ પરથી સંપર્ક નંબર મેળવી તેને નીચા ભાવે કાર અપાવી દેવા ફોન કરતો હતો. બંને વચ્ચે સંપર્ક ન થાય તેવી ગોઠવણી કરતો હતો. નીચા ભાવે કાર વેંચવાના નામે મુંબઈ આંગડીયું કરાવી લઈ ફોન બંધ કરી દેતો હતો અને નવા નંબરથી ફરી આવી રીતે છેતરપિંડી આચરતો હતો.


