પૂર્વ પાલિકા પ્રમુખના પત્ની હાલ પાલિકા કારોબારી ચેરમેન છે : તેરપત્તી સીકીડીકી (રમી)નો જુગાર રમતા 6ની રૂા.. 1.04 લાખ રોકડા સાથે ધરપકડ
ઉપલેટા, ભાયાવદર, : ઉપલેટા તાલુકાના ભાયાવદરના મયુરનગર વિસ્તારમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ભાયાવદર પોલીસે કુલ ૬ શખ્સોને રૂા.. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
આ બાબતમાં મુખ્ય વ્યક્તિ અતુલભાઈ માવજીભાઈ વાછાણી ભાજપના અગ્રણી છે અને ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પત્ની હાલ ભાયાવદર નગરપાલિકામાં ભાજપ પક્ષના સદસ્યા અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે. પોતાના જ ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી ભાયાવદર પોલીસને મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસ દ્વારા નોંધેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેઇડ પાડી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તા વડે' તેરપત્તી સીકીડીકી' (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ રેડ દરમિયાન રોકડ રકમ રૂા. 1,04,510/- મોબાઈલ ફોન 06 નંગ કિંમત રૂા.. 40,000/- વાહનોમાં 04 મોટરસાયકલ કિંમત રૂા.. 1.3,00 /- સહિત પોલીસે કુલ મુદ્દામાલ રૂા.. 2,74,510/- ના કબજે કરેલ. પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલભાઇ માવજીભાઇ વાછાણી (રહે. મયુરનગર, ભાયાવદર) - મુખ્ય સંચાલક) ચંદ્રેશભાઇ જેન્તીભાઇ વાછાણી (રહે. રોકડ શેરી, ભાયાવદર), દીનેશભાઇ શાંતીલાલ કનેરીયા (રહે. ખીજડા શેરી, ભાયાવદર), હીરેનભાઇ રમણીકભાઇ માકડીયા (રહે. પ્લોટ વિસ્તાર, ભાયાવદર), જયેશભાઇ ગોરધનભાઇ ભાલોડીયા (રશ્મિ કટલેરી વાળા, રહે. રોકડ શેરી, ભાયાવદર) તેમજ સિનિયર સિટીઝન કીશોરભાઇ સીનિયર સિટીઝન હોવાથી તેમને નોટિસ આપીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ભાયાવદરના લોકોના જણાવ્યા પ્રમાણે અતુલભાઇ વાછાણી કે, જેઓ વર્ષ 2008 માં ભાયાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચુંટણી લડયા હતા અને જીતીને બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) સમર્થન આપીને બહુમતી બનાવી હતી.


