ચંદીગઢનાં કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે
Surat Corporation : સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો મનાલી ખાતે પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા છે પરંતુ દેશની અન્ય મહાનગરપાલિકાની ટીમ સુરત ખાતે માહિતી મેળવવા આવી રહી છે. થોડા દિવસ પહેલાં જયપુરના મેયર સુરતની મુલાકાત લીધી હતી ત્યારબાદ હાલ ચંદીગઢ પાલિકા કમિશનર સહિતની ટીમ સુરત પાલિકાની મુલાકાતે આવી છે. ચંદીગઢની ટીમ બે દિવસ દરમિયાન સુરતનાં વિવિધ પ્રોજેક્ટ્સની મુલાકાતની ઉપરાંત સુરત પાલિકાના આવકનાં સ્ત્રોત સહિત વિકાસ કાર્યોની નોંધપાત્ર સિદ્ધિઓની માહિતી મેળવી રહી છે.
છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે સમગ્ર દેશના અન્ય શહેર કરતા અગ્રેસર છે. જેમાં પણ આ વર્ષે સુરત મહાનગર પાલિકા વિવિધ માપદંડોમાં ઈન્દોર શહેરને પણ પછાટ આપીને પહેલો નંબર પર રહ્યું છે. ટ્રર્શરી ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ સહિત સોલિવ વેસ્ટ સહિતનાં વિવિધ પ્રોજેક્ટ્સમાં સુરત મહાનગર પાલિકા દેશના અન્ય શહેરોની કામગીરી સામે અગ્રેસર છે. છેલ્લા ઘણા સમયથી સતત વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતની મુલાકાતે દેશના અન્ય શહેરોનાં ડેલિગેટ્સ પહોંચી રહ્યા છે. આજે ચંદીગઢનાં મ્યુનિસિપલ કમિશનર અમિત કુમાર સહિત જોઈન્ટ કમિશનર અને સિટી ઈજનેરની એક ટીમ સુરતની બે દિવસની મુલાકાતે પહોંચી હતી. વહેલી સવારે આઈસીસીસી ખાતે ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક દરમિયાન ચંદીગઢની ટીમ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. ખાસ કરીને 50 લાખથી વધુ વસ્તી ધરાવતાં સુરત શહેરમાં સફાઈથી માંડીને આવકનાં સ્ત્રોત ઉભા કરવા અને આ રકમનો યોગ્ય વિકાસની યોજના પાછળ થનારા ખર્ચ અંગે માહિતી મેળવવામાં આવી હતી.