Gujarat

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો

By GS TEAM
30 Sep 20251 min read
પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો

વડોદરાઃ પત્નીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા દાહોદના એક વૃધ્ધ સાથે ગઠિયાએ ત્રણ લાખમાં સોનાનો હાર આપવાના નામે દોઢ લાખની ઠગાઇ કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.

ઝાલોદના મુનખોસલા ખાતે રહેતા ૭૫ વર્ષીય દેવચંદભાઇ તેમના પત્નીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા ત્યારે ચા  ની લારી પરએક ગઠિયો મળ્યો હતો અને તેણે ખોદકામ વખતે સોનાનો હાર મળ્યો છે અને ૩ લાખમાં આપવાનો છે તેમ કહ્યું હતું.

ગઠિયાએ વિશ્વાસમાં લેવા માટે હારમાંથી એક મણકો આપ્યો હતો.જે તપાસ કરાવતાં અસલી સોનાનો હોવાથી વૃધ્ધે ત્રણ લાખમાં હારનો સોદો કર્યો હતો.પંડયા બ્રિજ પાસે બસમાંથી ઉતરેલા વૃધ્ધ અને તેના પૌત્રને ગઠિયો ચાલતો મહેસાણાનગર લઇ ગયો હતો અને ત્યાં દોઢ લાખ લઇ નકલી સોનાનો હા આપી દીધો હતો.જ્યારે બીજા રૃપિયા થોડા સમયમાં આપી દેજો તેમ તેણે કહ્યું હતું.પરંતુ ત્યારપછી હારની તપાસ કરતાં તે નકલી જણાઇ આવ્યો હતો.જેથી પોલીસ ફરિયાદ કરી હતી.

સમગ્ર બનાવમાં મોબાઇલ પર વાત કરતા ગઠિયાએ પોતાનું નામ અને સરનામું છુપાવી રાખ્યું હતું.પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેને મોબાઇલ સર્વેલન્સ પરથી અજબડી મિલ પાસેથી દબોચી લીધો હતો.પૂછપરછમાં ગઠિયાનું નામ રવિ ધુળાભાઇ મારવાડી(મારવાડી મહોલ્લો,બજરંગ સો મિલ પાસે,સમા વેમાલી રોડ) હોવાનું ખૂલ્યું હતું.તેની પાસેથી રોકડા રૃ.૨૫૫૦૦ અને મોબાઇલ કબજે લીધા હતા.