સરસિયા તળાવમાં તાજિયા ઠંડા કરવા માટે ગયેલો કિશોર ડૂબી ગયો

વડોદરા,સરસિયા તળાવમાં આજે મહોર્રમના પર્વ નિમિત્તે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા હતા. તળાવમાં મિત્રો સાથે ઉતરેેલા ૧૬ વર્ષના કિશોરનો પગ વાંસમાં ફસાઇ જતા તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેના મિત્રો અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તરત કિશોરને બચાવવા દોડી ગયો હતો. પરંતુ, પાણીમાં તેની ભાળ મળી નહતી. બે કલાક પછી ફાયર બ્રિગેડના સ્ટાફને મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યાકુતપુરા સરસિયા તળાવ રોડ પર લાકડાવાલા મેન્શનમાં રહેતા મોહંમદ મુસ્તાકભાઇ મનસુરી ગેરેજ ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. આજે સવારે સાડા આઠ વાગ્યે તેમનો ૧૬ વર્ષનો દીકરો મોહંમદ માહિર તેના મિત્રો સાથે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા કરવા માટે પહોંચી ગયો હતો. જેની જાણ પરિવારને નહતી. સવારે મિત્રો સાથે તળાવમાં ઉતરેલા કિશોરનો પગ તાજિયા ઠંડા કરવા માટે તળાવમાં બનાવેલા લાકડામાં ફસાઇ ગયો હતો. તેના મિત્રો તળાવમાં દૂર હતા. ફસાઇ ગયેલો કિશોર પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જે જોઇને તેના મિત્રો તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ, કિશોર ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને વાંસમાં ફસાઇ ગયો હતો. બે કલાકની ભારે જહેમત પછી ફાયરબ્રિગેડના જવાનોએ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. સિટિ પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર હોઇ મૃતદેહની પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.








