વડોદરાના ૧૫ ડોક્ટર્સની ટીમ સરહદી વિસ્તારમાં મેડિકલ ઇમરજન્સી માટે જશે
આજે વડોદરાની ૧,૦૦૮ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે આઇ.એમ.એ. દ્વારા મિટિંગ
વડોદરા, દેશના સરહદી વિસ્તારમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઘાયલ જવાનો તેમજ સ્થાનિક નાગરિકોની સારવાર માટે ખાનગી ડોક્ટર્સની એક ટીમ આઇ.એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ૧૫ ડોક્ટરની એક ટીમ બોર્ડર પર મોકલવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના કારણે મેડિકલ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. વડોદરા એકમના પ્રમુખ ડો.મિતેશ શાહે જણાવ્યું છે કે, વડોદરામાં ૧,૦૦૮ હોસ્પિટલ છે. એસોસિએશનના તમામ ડોક્ટરોને આઇ.સી.યુ. સુવિધાઓ સાથે સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે. આવતીકાલે આ અંગે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ડોક્ટર્સ,મેડિકલ સ્ટાફ, દવાનો જથ્થો પૂરતો રાખવા તેમજ ઓપરેશન થિયેટર અને ફાયર સેફ્ટીની સુવિધા સજ્જ રાખવા તાકીદ કરવામાં આવી છે. દરેક હોસ્પિટલને બિલ્ડિંગ પર રેડક્રોસની સંજ્ઞાા રાખવા જણાવાયું છે.
બોર્ડર પર ઘાયલ સૈનિકો તેમજ સ્થાનિક રહીશોની સારવાર માટે ૧૫ ડોક્ટર્સની એક ટીમ વડોદરા એકમ દ્વારા તૈયાર કરવામાં આવશે. જેમાં એનેસ્થેટિક, ગાયનેક, ઓર્થોપેડિક, સર્જન, ફિઝિશિયન ડોક્ટર્સનો સમાવેશ છે. આઇ.એમ.એ. દ્વારા આ અંગે વડોદરાના તમામ ડોક્ટર્સને એક મેસેજ કરીને જાણ કરવામાં આવી છે કે, જે ડોક્ટર્સ દેશની કોઇપણ સરહદે જવા ઇચ્છતા હોય તો આવતીકાલે બપોર સુધી સંસ્થાને જાણ કરવી.
મધ્ય ગુજરાતની સરકારી હોસ્પિટલના ૨૪ ડોક્ટર્સની ટીમ સરહદી વિસ્તારમાં જશે
વડોદરા,ભરૃચ જનરલ હોસ્પિટલ, રાજપીપળા જનરલ હોસ્પિટલ, ગરૃડેશ્વર, નર્મદા જિલ્લાના સાગબારા, ગોધરા, દાહોદ, પંચમહાલના ૨૪ ડોક્ટર્સની ટીમને બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છ, પાટણ, પોરબંદરમાં ડયૂટિ માટે તૈનાત કરવામાં આવ્યા છે.