તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ
Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલાથી જસદણ રોડ પર અંદાજે 11 કિલોમીટરના અંતરે આવેલું ભીમોરા ગામ, ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સ્થળ તેના રતુમડા પથ્થરોના ગઢ, ભીમની ગુફા અને શૂરવીર નાજા ખાચરની ગાથા માટે જાણીતું છે, જે ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર'માં વર્ણવી છે.
શૂરવીરતાની ગાથા
ભીમોરાનો ગઢ એવા શૂરવીર નાજા ખાચરની બહાદુરીનો સાક્ષી છે. ‘દંડ ન ભરા, હું રામદુઆઈ, મરવો ભીમ તણા ગઢ માંહી...’ જેવા શબ્દોથી ઝવેરચંદ મેઘાણીએ તેમની વીરતાનું વર્ણન કર્યું છે. લાખા ખાચરના પુત્ર નાજો ખાચર અહીં ફતેહસિંહ રાવની મોટી ફોજ સામે ઝૂક્યા વગર શહીદી વહોરી હતી. આજે પણ આ ગઢ શૌર્યની ગાથા કહે છે.
પાંચાળભૂમિ અને ભીમપુરી
ભીમોરાની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળથી 'પાંચાળભૂમિ' તરીકે ઓળખાય છે, જે મહાભારત કાળમાં દ્રૌપદી (પાંચાળી)ના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. જાણકારોના મતે ૧૯૬ માઈલના આ ઘેરાવામાં તરણેતર, થાનગઢ, સુરજદેવળ અને ચોટીલાનો સમાવેશ થાય છે. ભીમોરા ગામનું એક નામ 'ભીમપુરી' પણ છે. અહીં આવેલી 'ભીમની ખોપ' નામની ગુફાનો સંબંધ મહાભારતના ભીમ સાથે હોવાનું કહેવાય છે.
તરણેતર અને ભીમોરા વચ્ચેનું ઐતિહાસિક જોડાણ
ચોટીલા પાસે આવેલું ભીમોરા અને સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો, બંને સ્થળો એક જ ઐતિહાસિક ભૂમિ, એટલે કે 'પાંચાળભૂમિ'નો ભાગ છે. મહાભારતકાળમાં દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને છુપા વેશે મત્સ્યવેધ કર્યો હતો, અને આ સ્વયંવર તરણેતરના મેળાના સ્થળ નજીક થયો હોવાનું મનાય છે. આ રીતે, ભીમોરાનો ગઢ અને તરણેતરનો મેળો માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ ઐતિહાસિક રીતે પણ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.
આ પણ વાંચો: અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે
ભીમોરા, ભલે અલ્પ પ્રચલિત હોય, પણ ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ ધરાવે છે. અહીંની ગુફામાંથી ચોટીલા ડુંગરનું રમણીય દૃશ્ય જોવા મળે છે, જે આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ઐતિહાસિક સ્થળ શાંતિ અને ઇતિહાસપ્રેમીઓ માટે એક ઉત્તમ પર્યટન સ્થળ બની શકે છે.