શાળાના જ શિક્ષક દ્વારા કરાવાતા ટયુશનમાં ન જતા ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ, નિયમ કરતાં વધુ ફી પણ ઉઘરાવી
ગાંધીધામના ગળપાદર ગામમાં રહેતા મુકેશભાઇ મ્યાજરભાઈ વીરડાએ લેખિત ફરિયાદ કરતાં જણાવ્યુ હતું કે, તેમની દિકરી ગાંધીધામની આદર્શ મહાવિધાલય શાળામા ધોરણ -૧૧ મા અભ્યાસ કરે છે. તેને ટયુશનની જરૂરત હોવાથી આદર્શ મહાવિધાલયમા શિક્ષક તરીકે નોકરી કરતા શિક્ષિકાને ટયુશન બાબતે પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે હું પોતે ટયુશન ચલાવુ છું જેથી તુ મારી પાસે આવજે તેવું જણાવેલ પરંતુ દીકરી તેની પાસે ગઈ ન હતી. જેથી શિક્ષિકા દ્વારા દિકરી સાથે ક્લાસમા ભેદભાવ કરવાનું શરૂ કરી દીધું હતુ. શાળાના આચાર્ય પાસે શિક્ષિકાની ફરીયાદ કરતા આચાર્યએ દિકરીને ધમકાવી અને તેમની પાસે જ તારે ટયુશન જવાનું છે તેમ કહ્યું હતું. આ શિક્ષિકા જ્યાં ટયુશન કરાવવા જાય છે તે ટયૂશન સંચાલક અને શાળાના આચાર્ય સરમણભાઇ સોલંકી એક બીજાના મિત્ર થાય છે અને ટયુશન આવતા વિદ્યાર્થીઓના બદલે તે કમિશન પણ મેળવતા હોવાના આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત દીકરીઓની ફી ભરવાની ન હોવા છતાં આચાર્યએ શાળાની ફી પેટે રૂ.૬૯૦૦ ઉઘરાવી છે. જેથી ફીની રસીદ માંગતા રૂ.૧૩૪૦ તથા કોમ્યુટર ફી ના રૂ.૧૫૦૦ની રસીદ આપી હતી અને બાકીના રૂપિયા બારોબાર શાળાને ડોનેશન આપી દીધું હોવાનુ જણાવી ડોનેશનની રસીદ વર્ષના અંતે હવે છેક આપી છે. આ વિવાદિત આચાર્યની અન્ય શાળામાં નોકરી હતી. જ્યાથી ફાજલ થઈ તે અન્ય શાળાઓમાં ફરતા ફરતા અહી આવ્યા છે. જે બાદ તેમની મૂળ શાળા દ્વારા ૨ વખત રિકોલ કરવામાં આવ્યું હોવા છતાં આચાર્ય ત્યાં જતાં નથી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ આ વિવાદિત આચાર્ય વિરુદ્ધ ઘણા મહિના પહેલા ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા આક્ષેપો સાથે હવે શાળા સામે જ અનશન સહિતના આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી તરફ આ બાબતે શાળાના આચાર્ય સરમણભાઈ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ તેમણે ફોન ન ઉપાડતા તેમનો પક્ષ જાણી શકાયો ન હતો.


