રોંગ સાઇડ આવતી લક્ઝરી બસે બૂલેટ સવાર વિદ્યાર્થીને ટક્કર મારતા મોત
જાંબુવા નજીક રોડ ક્રોસ કરતા બાઇક સવાર યુવકોને કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત બીજાની હાલત ગંભીર
વડોદરા,જાંબુવા બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા બાઇક સવાર યુવકોને કાર ચાલકે ટક્કર મારતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્યને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય એક બનાવમાં રોંગ સાઇડ આવતી લક્ઝરી બસે બૂલેટ પર જતા વિદ્યાર્થીને ટક્કર મારતા તેનું મોત થયું હતું.
આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે રહેતો ૨૯વર્ષનો જયદીપ દશરથભાઇ પરમાર આજે બપોરે દોઢ વાગ્યે કાર લઇને અમદાવાદ થી સુરત તરફના રોડ પર જતા હતા.જાંબુવા જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે બાઇક સાથે અકસ્માત થતા બાઇક સવાર રૃપેશ ( ઉં.વ.૩૦) અને વિજયકુમારને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે કાર ચાલક જયદીપને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતા રૃપેશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે વિજયકુમારને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત પણ નાજુક છે. જાંબુવા બ્રિજ પાસે રોડ ક્રોસ કરવા જતા ડિવાઇડર નજીક અકસ્માત થયો હતો. મૃતક રૃપેશ અને વિજય મૂળ બિહારના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ જાંબુવા બ્રિજ પાસે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. કપુરાઇ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વડસર બિલાબોંગ સ્કૂલની નજીક છાયા પાર્ટી પ્લોટની સામે સુંદરમ રેસિડેન્સીમાં રહેતો ૨૦ વર્ષનો માનવ દેવજીભાઇ પરમાર કોમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે રાતે ૯ વાગ્યે તે ઘરેથી બૂલેટ લઇને નીકળ્યો હતો.મોડીરાતે તે પરત આવતો હતો. તે દરમિયાન ખિસકોલી સર્કલ નજીક હનુમાનજી મંદિરની સામે રાતે એક વાગ્યે રોંગ સાઇડ આવતી એક બસના ડ્રાઇવરે તેને અડફેટે લેતા છાતી અને હાથ પર ગંભીર ઇજા થઇ હતી. નજીકમાં પાર્ક કરેલા મોપેડને પણ ટક્કર મારી બસ ચાલક ફરાર થઇ ગયો હતો. ટૂંકી સારવાર દરમિયાન માનવનું મોત થયું છે.