હીંડોરણા ચોકડીએ આતંક મચાવી દીધો
પેટ્રોલ પંપ સ્ટાફને માર માર્યો, ટ્રકને આગ ચાંપી દઇ ડ્રાઇવરને પણ માર માર્યો, પંપ સંચાલકે ફરિયાદ કરી
અમરેલી: રાજુલાની હિંડોરણા ચોકડીએ ધસી આવેલા શખ્સે પેટ્રોલ પંપ પર આતંક મચાવી ફિલિંગ સ્ટાફ પર હુમલો કરી પેટ્રોલની નોઝલમાં દિવાસળી ચાંપી દેતાં આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં રહેલા ટ્રકમાં પણ આગ લગાડી દેતાં નાસભાગ મચી ગઇ હતી.
બનાવની વધુ વિગત મુજબ હિંડોરણા ચોકડી (રાજુલા) પર શિવા વાલાભાઈ ધાખડા હાથમાં પેટ્રોલની બોટલ અને માચીસ તેમજ અન્ય સ્ફોટક પદાર્થ સાથે ધસી આવ્યો હતો. અને આજે તો પેટ્રોલ પંપ સળગાવી દેવો છે તેમ કહી પેટ્રોલ પંપ યુનિટ પાસે જઇ પેટ્રોલ ફિલિંગની નોઝલમાં માચીસ વડે આગ લગાડી દીધી હતી. તેમજ બાજુમાં રહેલા ટ્રકને પણ આગ લગાડી હતી.
આ ઘટના થતા ભય ફેલાઇ ગયો હતો. ઘટના ઉપરાંત ફિલરમેનો અને ટ્રક ડ્રાઇવરને આડેધડ માર માર્યો હતો. આ બનાવ અંગે પેટ્રોલ પંપના માલિક પ્રકાશ મણીલાલ સંઘવીએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.


