સયાજીગંજમાં કડકબજાર પાસે પૂરઝડપે દોડતી કાર કૂતરાને 60 મીટર ઢસડી ગઇ
વડોદરાઃ શહેરમાં પૂરઝડપે દોડતા વાહનોને કારણે ગંભીર અકસ્માતાેના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે સયાજીગંજ વિસ્તારમાં પૂરઝડપે દોડતી કારમાં એક સ્ટ્રીટ ડોગ આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સયાજીગંજ કડકબજાર પાસે ગઇકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બનેલા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,એક મહિલા કાર ચાલક પૂરઝડપે કાર લઇને પસાર થઇ રહી હતી ત્યારે કાર નીચે એક કૂતરું આવી ગયું હતું.જ કારચાલકને તેની જાણ નહિ થઇ હોય તેથી કૂતરાને 60 મીટર જેટલું ઢસડીને લઇ ગયા બાદ કારચાલક ફરાર થઇ ગઇ હતી.
બનાવને કારણે કૂતરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી ફ્રુટના વેપારીએ જીવદયા સંસ્થાના ચંચલબેન વશિષ્ટને જાણ કરતાં તેમણે કૂતરાને સારવાર માટે વ્યવસ્થા કરાવી હતી.જે દરમિયાન કૂતરાને બંને પગે પેરેલીસીસની અસર થઇ હોવાની અને કમરનું હાડકું તૂટી ગયું હોવાનું તબીબે જણાવ્યું હતું.આ અંગે સયાજીગંજ પોલીસે મહિલા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.