Get The App

રાજકોટમાં બોલેરો નીચે નિંદ્રાધીન એક વર્ષની બાળકીને કચડી નાખી

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં બોલેરો નીચે નિંદ્રાધીન એક વર્ષની બાળકીને કચડી નાખી 1 - image


બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો

શ્રમિક દંપતીએ પુત્રીને બોલેરોના ટાયર નજીક સુવડાવી દીધી હતી, ચાલકે બોલેરો ખસેડતા અકસ્માત

રાજકોટ: મોરબી રોડ પર રાધા મીરા સોસાયટીની બાજુમાં પાર્ક બોલેરોની નીચે નિંદ્રાધીન શ્રમિકની ૧ વર્ષની પુત્રીને બોલેરોના ચાલકે અજાણતા કચડી નાખી હતી. બી ડીવીઝન પોલીસે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની અબલાભાઈ મેડા (ઉ.વ.૩૩), પત્ની નરબીબેન સાથે રાજકોટમાં મજૂરી કરે છે. તેને સંતાનમાં બે પુત્રી છે. જેમાંથી મોટી નંદની બે વર્ષની જ્યારે ક્રિષ્ના એક વર્ષની છે. ગઇકાલે સવારે તે પત્ની અને બંને પુત્રીઓને લઇ પોતાના ઝૂંપડાની બાજુમાં નવા બંધાતા મકાનની છતનું કડિયા કામ કરવા માટે ગયો હતો. 

તે વખતે તેના શેઠ સુખાભાઈ મેણંદભાઈ ચાવડા બોલેરો લઇ આવ્યા હતાં. જે તેણે મકાનની સાઇડમાં પાર્ક કરી હતી. બોલેરોના આગળના ટાયરની નીચે પોતાની પુત્રી ક્રિષ્નાને  સુવડાવી દીધી હતી. તે વખતે વરસાદ પડતો હોવાથી ક્રિષ્નાને સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી. ત્યાર પછી પત્ની સાથે કડિયા કામ કરવા જતો રહ્યો હતો. 

થોડીવાર બાદ મેઇન કોન્ટ્રાક્ટર યોગેશભાઈ આવ્યા હતાં. જેણે બોલેરોની જગ્યાએ સિમેન્ટની થેલી મૂકવાની વાત કરી હતી. જેથી સુખાભાઈ બોલેરો લેવા પહોંચ્યા હતાં. તેને ખબર ન હતી કે નીચે ક્રિષ્ના સૂતી છે. આ સ્થિતિમાં તેણે બોલેરો સ્ટાર્ટ કરતાં તેના ટાયર નીચે ક્રિષ્ના કચડાઇ ગઇ હતી. 

આ દ્રશ્ય અબલાભાઇની પત્ની જોઇ જતાં તેણે બૂમાબૂમ કરી હતી. તે સાથે જ સુખાભાઇએ બોલેરોને બ્રેક મારી હતી. તત્કાળ બધા દોડી ગયા હતાં. બોલેરોના ટાયર ફરી વળતા ગંભીર ઇજા પામેલી ક્રિષ્ના રડતી હતી. એટલું જ નહીં અર્ધબેભાન થઇ ગઇ હતી. 

તત્કાળ તેને ૧૦૮માં ઝનાના હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં પીઆઈસીયુમાં દાખલ કરાઇ હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. બી ડીવીઝન પોલીસે બોલેરો ચાલક સુખાભાઈ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Tags :