Get The App

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ

કલર નાખવા બાબતે ઝઘડો થતા પાઇપ અને લાકડીથી હુમલો : છ ને ઇજા : બંને પક્ષની સામસામે ફરિયાદ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
અણખી ગામની  બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે  ધિંગાણુ 1 - image

વડોદરા,અણખી ગામની સીમમાં આવેલી બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે કલર નાખવા બાબતે તકરાર થતા પાઇપ અને  લાકડીથી સામસામે હુમલો થતા બે યુવકો હજી બેભાન  હાલતમાં સારવાર હેઠળ છે. વરણામા પોલીસે બંને  પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અણખી ગામની સીમમાં પોર કાયાવરોહણ રોડ પર બ્રહ્મા ફેબ્રિકેશન કંપનીમાં નોકરી કરતા છોટન  જીતેન્દ્રભાઇ દૂબે મૂળ બિહારનો વતની છે. તેણે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારો ભાઇ રાહુલ તથા અમારા ગામના ચાર છોકરાઓ છેલ્લા દોઢ વર્ષથી કંપનીમાં નોકરી કરીએ છે અને ત્યાં જ એક ઓરડીમાં રહીએ છીએ.અમારો કોન્ટ્રાક્ટર મારો નાનો ભાઇ  રાહુલ છે. ગત ૪ થી તારીખે ધૂળેટીનો તહેવાર હોઇ અમારી કંપનીમાં રજા  હતી.હું તથા બીજા કામદારો અમે કંપનીમાં ઓરડીમાં હતા. બપોરે એક વાગ્યે હું તથા વીરેશ શર્મા બાઇક લઇને કંપનીની નજીક આવેલી લારી પર ચા પીવા ગયા હતા.મારો ભાઇ રાહુલ અને નિકેશ પણ આવ્યા હતા. ચા પીને અમે ચાલતા પરત આવતા હતા. તે દરમિયાન અમારી બાજુની કંપની પ્રણવ એનોડાઇઝરના કામદારો રાજેશ શાહુ, રવિન્દ્ર, રાહુલ, રવિકુમાર તથા ગોકુલ સહિત ૧૦ લોકો ધૂળેટી રમતા હતા. તેઓ બળજબરીથી અમારી પર કલર નાખવા જતા અમારે ઝઘડો થયો હતો. તેઓએ લાકડી, પાઇપ અને ડંડા વડે હુમલો કર્યો હતો. જેમાં અમને ચાર લોકોને ઇજા પહોંચી હતી.

જ્યારે સામા  પક્ષે પ્રણવ એનોડાઇઝર કંપનીના માલિક ભવિષ્ય  પંડયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કલર નાખવા બાબતે ઝઘડો થતા બ્રહ્મા કંપનીના અરૃણકુમાર ચૌધર તથા રાહુલે  પાઇપથી હુમલો કરી  અમારી કંપનીના રવિન્દ્ર,રાજેશ તથા રાહુલ શાહુને ગંભીર ઇજા પહોંચાડી હતી. રવિન્દ્ર તથા રાજેશને માથામાં ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ  ગયા હતા.