Gujarat

નકલી અંગ્રેજી દારૂને મોંઘી સ્કોચ વ્હીસ્કી તરીકે વેચવાનું કારસ્તાન

By GS TEAM
19 Aug 20252 mins read
નકલી અંગ્રેજી દારૂને મોંઘી સ્કોચ વ્હીસ્કી તરીકે વેચવાનું કારસ્તાન

ધોરાજીના તોરણીયા ગામની સીમમાં ખેતરમાં એલસીબીનો દરોડો

બે શખ્સોની ધરપકડ, ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ ભરેલા કેરબા, ખાલી બોટલ અને સ્ટીકરો કબજે : જૂનાગઢનો શખ્સ સૂત્રધાર

રાજકોટ: રાજકોટ જિલ્લામાં ડુપ્લીકેટ અંગ્રેજી દારૂને સ્કોચ વ્હીસ્કી તરીકે વેચવાનું કારસ્તાન પકડાયું છે. એલસીબીએ ધોરાજીના તોરણીયા ગામની સીમમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતાં. ડુપ્લીકેટ અંગ્રેજી દારૂના સપ્લાયર તરીકે જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા સતીષ કયાડાનું નામ ખૂલ્યુ છે.

એલસીબીના જમાદાર દિવ્યેશભાઈ સુવા વગેરેને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.વી. ઓડેદરા અને પીએસઆઈ એચ.સી. ગોહીલે ધોરાજીના તોરણીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી ખેતરનો કબજો ભોગવટો ધરાવતા કાંતિલાલ રવજીભાઈ બાબરિયા (રહે. મોટી પરબડી, તા. ધોરાજી) અને ચેતન રાજુભાઈ દેલવાડિયા (રહે. તોરણીયા, તા. ધોરાજી)ને ઝડપી  લીધા હતાં.

ખેતરમાંથી એલસીબીએ ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કી લખેલા ૧૧ સ્ટીકર, બ્લેન્ડેડ વ્હીસ્કી લખેલા ૪૬ સ્ટીકર, ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ ભરેલી ૫ બોટલ, ૧૪ ખાલી બોટલ, ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ ભરેલા ત્રણેક બેરલ અને બે મોબાઇલ ફોન મળી રૂા. ૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- નકલી દારૂની FSL દ્વારા ચકાસણી, બે- અઢી હજારમાં વેચાતો હતો

ડુપ્લીકેટ અંગ્રેજી દારૂમાં કયા પ્રકારના કેમિકલ છે તે વિશે હાલ એલસીબીને કોઇ માહિતી મળી નથી. આ માટે દારૂના સેમ્પલ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સતીષ કયાડા ઝડપાયા પછી ક્યા-ક્યા કેમિકલનો ઉપયોગ કરતો હતો તે વિશે માહિતી મળશે. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ ખાલી બોટલોમાં ભરી તેની ઉપર સ્કોચ અને મોંઘી વ્હીસ્કીના લેબલ ચોંટાડી તેને રૂા. ૨૦૦૦થી લઇ રૂા. ૨૫૦૦માં વેચતા હોવાની માહિતી મળી છે.