Gujarat

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

By GS TEAM
6 Sep 20251 min read
ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

ધરોઇમાંથી ૮૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા

સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી ધરોઇથી આવતું પાણી અમદાવાદ તરફ છોડવાનો સિલસિલો

ગાંધીનગર:  ધરોઈ ડેમમાં વધતા જળસ્તરને કારણે ગાંધીનગરના સંત સરોવરમાં આઉટફ્લો વધવાની સંભાવનાએ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કર્યું છે. ધરોઈ ડેમના ૮ દરવાજા ૨.૩ મીટર ખોલવામાં આવતાં ૭૯,૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેની સીધી અસર સંત સરોવર અને સાબરમતી નદી પર પડી રહી છે.

સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને પાણી ધોળેશ્વર-ભાટ એટલે કે અમદાવાદ રિવરફ્રન્ટ તરફ છોડવામાં આવી રહ્યું છે. આનાથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સાબરમતી નદીનું જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ધરોઈ ડેમમાંથી છોડાયેલું પાણી આજે રાત્રે સંત સરોવર અને આસપાસના વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આને ધ્યાનમાં રાખી, આસપાસના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને નાગરિકોને સાવચેતી રાખવા સૂચન આપવામાં આવ્યું છે.

કલેકટર મેહેુલ દવેએ અધિકારીઓને વધતા જળસ્તરને કારણે કોઈ ગંભીર ઘટના ન બને તે માટે તકેદારી રાખવા અને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવા પણ સૂચન આપવામાં આવી હતી.આ પરિસ્થિતિમાં, ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે ન જવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.