Gujarat

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો

By GS TEAM
5 Sep 20252 mins read
આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો

આણંદની જે.જી. પટેલની કંપનીએ 

ગ્રીડ ચોકડીથી ભાલેજ બ્રિજ સુધી ખાડાથી બિસ્માર રસ્તા પર હાલાકી ભોગવવા લોકો મજબૂર

આણંદ: આણંદ શહેરમાં ગ્રીડ ચોકડીથી ભાલેજ પુલ સુધીનો ત્રણ મહિના પહેલા જ બનાવેલો રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. હલકી ગુણવત્તાના મટિરિયલના કારણે બિસ્માર બનેલા રોડના કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે સત્વરે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ફરી બનાવવા માંગણી ઉઠી છે.

આણંદ શહેરની ગ્રીડ ચોકડીથી ભાલેજ પુલ સુધીનો રોડ રૂા. ૨.૧૪ કરોડના ખર્ચે આણંદની જે.જી. પટેલની કંપની દ્વારા બનાવ્યા બાદ ત્રણ મહિના અગાઉ ખાતમુહૂર્ત કરાયું હતું. વરસાદમાં રોડ ધોવાઈ જવા સાથે ઊંડા ખાડાં પડી ગયા હતા. ત્યારે કોન્ટ્રાક્ટરને બિલ આપવામાં આવ્યું નથી અને ખાડાં વિનામૂલ્યે પુરવાની જાણ કરી હોવાની અગાઉ ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જાહેરાત કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ના થતા હલકી ગુણવત્તાના મટિરિયલના કારણે હાલ આ રોડ સંપૂર્ણ ધોવાઈ જવા સાથે ઊંડા અને પહોળા ખાડાં પડી જતા હજારો વાહન ચાલકો દરરોજ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.  આણંદમાં રોડના ખાતમુહૂર્ત વખતે ફોટો સેશન કરતા નેતાઓ હવે સંપૂર્ણ રોડ ધોવાઈ ગયો હોવા છતાં પણ તેનું પેચવર્ક કરવાની કામગીરીમાં રસ દાખવતા નથી તેવું શહેરીજનો જણાવી રહ્યા છે. 

મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ આ રોડ ઉપર પેચવર્ક કરાયું હતું પરંતુ, વરસાદના કારણે ધોવાણ થતા વરસાદ બંધ થશે ફરીથી પેચવર્કનું કામ કરી દેવામાં આવશે. 

- આણંદ શહેરમાં કયા સ્થળે રોડ ઉપર ખાડાં ?

આણંદ શહેરના અન્ય રસ્તાઓમાં ગણેશ ચોકડીથી વિધિપાર્ક, જુના બસ સ્ટેન્ડથી લક્ષ્મી થિયેટર રોડ, મંગળપુરા રોડ, ગણેશ ચોકડીથી બોરસદ ચોકડી, ગામડી વડના રોડ, કપાસિયા બજાર, રાજમાર્ગ રોડ, પોલસન ડેરીથી ઓવરબ્રિજ રોડ, ઈસ્માઈલ નગર રોડ, ખોડિયારમાતા વિસ્તાર સહિત શહેરના કેટલાય સંખ્યાબંધ માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે.