Gujarat
વુડા ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
By GS TEAM
4 Jul 20251 min read

વુડા ખાતે આજે ચેરમેનની અધ્યક્ષતામાં મળેલ સમીક્ષા બેઠકમાં રીંગરોડ તથા પ્રાથમિક સુવિધાના કામો અંગે ચર્ચા વિચારણા સાથે જરૂરી નિર્ણય થયા હતા.
કારેલીબાગ ખાતે આવેલ વુડા કચેરી ખાતે વુડા ચેરમેન અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અને વુડા સીઈઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસના કામો અને સરકારમાં પેન્ડિંગ પ્રશ્નો સંદર્ભે જરૂરી ચર્ચા થઈ હતી. આ અંગે ચેરમેનનું કહેવું હતું કે, રીંગરોડના પ્રથમ ફેઝની કામગીરી અને બીજા ફેઝની તૈયારી અંગે રીવ્યુ મેળવ્યો છે, વુડાના એસટીપી - ડબ્લ્યુટીપીની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ છે, અંકોડીયા ખાતે 73.52 કરોડના ખર્ચે ઓલિમ્પિક સ્તરનું રમતગમત સંકુલ ઓલિમ્પિક લેવલે બનાવવા નિર્ણય થયો હોય તે અંગે ચર્ચા કરી છે, મહેકમની પણ નોંધ લીધી છે, અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ટ્રાફિક હળવો કરવા સાથે સુઆયોજિત વિકાસ માટે ફાજલપુર વાસદ પાસે નેશનલ હાઈવે નં. 48થી વડોદરાની પશ્ચિમમાં થઈ દક્ષિણમાં વરણામા નેશનલ હાઈવે નં. 48 સુધી અંદાજિત 32.2 કિમીનો રીંગરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં અંકોડીયા એસએસએનએનએલ કેનાલથી ચાપડ રીંગરોડની 14 કિલોમીટરની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કા માટે રાજ્ય સરકારે 316.78 કરોડ ફાળવ્યા હતા.









