Gujarat

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાયુસેના ગેટ સામે એક બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક

Jamnagar Accident : જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાયુસેના ગેટ સામે એક બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કોઈ મદદ કર્યા વગર સ્થળ પરથી ફરાર થઈ જતાં સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોમલનગર ઢાળીયા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રામકલ્યાણભાઈ કનૈયાભાઈ કોળી ગત તા. 28 મેના રોજ બપોરના સમયે આંબેડકર પુલ નીચે વાયુસેના ગેટ સામે બેઠા હતા. તે દરમિયાન એક બ્રેઝા કારનો ચાલક પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક વાહન હંકારી ત્યાંથી પસાર થયો હતો.

આરોપીએ કાર પરનો કાબૂ ગુમાવતા રાહદારી રામકલ્યાણભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇજાગ્રસ્ત કારની નીચે ઘસડાયા હતા. બનાવમાં તેમની ડાબી આંખની બાજુએ ગંભીર ઇજા પહોંચી હતી અને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત છાતીના ભાગમાં આંતરિક ઇજા થતાં લોહી જામી ગયું હોવાનું તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અકસ્માત બાદ ઘાયલને મદદ કરવાની કે સારવાર માટે ખસેડવાની જવાબદારી નિભાવવાના બદલે કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બ્રેઝા કારના અજાણ્યા ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે ચાલકની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.