Get The App

અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું  મોત 1 - image


Ahmebabad Changodar News : અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે રોડ પર ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેન ચાલકની બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગ ને કારણે એક રાહદારી ક્રેનની અડફેટે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક બાવળા તાલુકાના શીયાળગામના 54 વર્ષીય વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.

આ કરૂણ ઘટના આજે બપોરના સમયે બની હતી. ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ ઉપર, ગેલેકસી ટુલ્સ એન્ડ હાર્ડવેરની સામે, ક્રેનના ચાલકે પોતાની ક્રેનને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. આ બેકાબૂ ક્રેને રોડ પર ચાલી રહેલા પ્રેમજીભાઇ વાલાભાઇ રાઠોડ (ઉંમર ૫૪, રહે. શીયાળગામ, તા. બાવળા) ને પાછળથી ટક્કર મારી હતી અને તેમને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પ્રેમજીભાઈ રાઠોડને માથાના ભાગે તથા બન્ને પગે ગંભીર અને જીવલેણ ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતકના સાઢુભાઇ અને ફરિયાદી નરેશભાઇ રણછોડભાઇ વાણીયા (રહે. સનાથળગામ)ને તેમની મોટી સાળી હંસાબેન (પ્રેમજીભાઇના પત્ની) દ્વારા અને ત્યારબાદ અજાણ્યા નંબર દ્વારા ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. નરેશભાઇ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ચાંગોદર પોલીસના માણસો હાજર હતા. તેમણે જોયું કે મૃતકના માથાના ભાગે, આંખના ભાગે, હાથની ચામડી ફાટી ગયેલી, અને બન્ને પગ છુંદાઇ ગયેલા અને ભાંગી ગયેલા હાલતમાં હતા.

આજુબાજુના લોકો પાસેથી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આ અકસ્માત ક્રેનના ચાલકે જ કર્યો હતો. પોલીસે મૃતક પ્રેમજીભાઇની લાશને ખાનગી વાહન મારફતે સી.એચ.સી. સાણંદ ખાતે પોસ્ટ મોર્ટમ (પી.એમ.) માટે મોકલી આપી હતી. ફરિયાદી નરેશભાઇ વાણીયાએ બેદરકાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની તપાસ થવા માટે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :