Get The App

વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકરો બનાવી વિઝા એજન્ટોને વેચવાનું રેકેટ

સુરતના રાંદેર રોડનો પ્રતીક ઉર્ફે અભિજીત શાહ 10 વર્ષથી નકલી વિઝા બનાવતો હતો : ઘરમાંથી નકલી વિઝા સ્ટીકર બનાવવાનુ સેટઅપ મળ્યું

રૂ.15 હજારથી રૂ.25 હજારમાં સ્ટીકર બનાવતો હતો : એસઓજીએ છ દિવસના રિમાન્ડ મેળવ્યા : વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરવા પ્રતીક પાસે ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવડાવતા આણંદ, બેંગકોક, દિલ્હીના પાંચ એજન્ટ વોન્ટેડ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકરો બનાવી વિઝા એજન્ટોને વેચવાનું રેકેટ 1 - image



- સુરતના રાંદેર રોડનો પ્રતીક ઉર્ફે અભિજીત શાહ 10 વર્ષથી નકલી વિઝા બનાવતો હતો : ઘરમાંથી નકલી વિઝા સ્ટીકર બનાવવાનુ સેટઅપ મળ્યું 


- રૂ.15 હજારથી રૂ.25 હજારમાં સ્ટીકર બનાવતો હતો : એસઓજીએ છ દિવસના રિમાન્ડ મેળવ્યા : વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરવા પ્રતીક પાસે ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવડાવતા આણંદ, બેંગકોક, દિલ્હીના પાંચ એજન્ટ વોન્ટેડ 


સુરત, : વિદેશ મોકલવાના બહાને લોકો પાસેથી મસમોટી રકમ લઈ તેમને ડુપ્લીકેટ વિઝા આપતા દેશ-વિદેશના એજન્ટોને રૂ.15 હજારથી રૂ.25 હજાર લઈ છેલ્લા 10 વર્ષથી વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવી આપતા સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યુવાનને ત્યાં સુરત શહેર એસઓજી અને પીસીબીએ સંયુક્ત રેઇડ કરી ઝડપી લીધો હતો.પોલીસે ગતરાત્રે રેઇડ કરી ત્યારે યુવાન પોતાના ફ્લેટમાં જ ગોઠવેલા ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવવાના સેટઅપમાં સ્ટીકર બનાવી રહ્યો હતો.


એસઓજી અને પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજી પીઆઈ અશોક ચૌધરી અને પીસીબી પીઆઇ રાજેશ સુવેરાને મળેલી બાતમીના આધારે એસઓજી અને પીસીબીની ટીમે ગતરાત્રે સંયુક્તપણે રાંદેર ઝઘડીયા ચોકડી પાસે શ્રીજીનગરી સોસાયટી સમોર રેસિડન્સી ફ્લેટ નં.202 માં રેઇડ કરતા ત્યાં પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ ( ઉ.વ.37, મૂળ રહે.ઘર નં.1, રીવર ડ્રાઈવ સોસાયટી, રીવા કોમ્પલેક્ષની સામે, ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ, સુરત ) પોતાના ફ્લેટમાં ફ્લેટમાં જ ગોઠવેલા ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવવાના સેટઅપમાં સ્ટીકર બનાવતો મળ્યો હતો.પોલીસે તપાસ કરતા ત્યાંથી અલગ અલગ દેશના પાંચ વિઝા સ્ટીકર, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની 8 કલર પ્રિન્ટ, ચેક રીપબ્લીક દેશનો સ્ટેમ્પ, યુરોપ, કેનેડા, મેસેડોનીયા, સર્બીયાઅને યુકેના હોલમાર્કવાળા નાના મોટા 683 પેપર, પાંચ મોબાઈલ ફોન, લેપટોપ, પ્રિન્ટર અને અન્ય સાધન મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ મળ્યો હતો.


પોલીસે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિદેશ મોકલવાના બહાને લોકો પાસેથી મસમોટી રકમ લઈ તેમને ડુપ્લીકેટ વિઝા આપતા દેશ-વિદેશના એજન્ટો તેની પાસે છેલ્લા 10 વર્ષથી વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવડાવે છે.એજન્ટ તેને જે તે વ્યક્તિના પાસપોર્ટની વિગત મોકલે તેના આધારે તે અગાઉથી ચાઈનીઝ વેબસાઈટ અને એપ અલીબાબા.કોમ પરથી મંગાવેલા વિવિધ દેશોના હોલમાર્ક પેપર ઉપર પોતાના લેપટોપ ઉપર કોરલ ડ્રો સોફ્ટવેરમાં અલગ અલગ દેશના વિઝાના ફોર્મેટ ઉપર એડિટ કરી ડુપ્લીકેટ વિઝા બનાવી બાદમાં તે પાસપોર્ટ એજન્ટને કુરિયર કરી દેતો હતો.તે માટે તે એજન્ટ પાસે રૂ.15 હજારથી રૂ.25 હજાર લે છે.પોલીસને તેની પાસે હાલ આવા ડુપ્લીકેટ વિઝા સ્ટીકર સાથેના ડુપ્લીકેટ વિઝા તૈયાર કરાવનારા આણંદના એજન્ટ કેતન દિપકભાઈ સરવૈયા, થાઈલેન્ડ બેંગકોકના હર્ષ, દિલ્હીના પરમજીતસિંહ અને અફલાક તેમજ સચીન શાહનો વિગતો મળી હતી.પોલીસે આ અંગે પ્રતીક વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવડાવતા આણંદ, બેંગકોક, દિલ્હીના પાંચ એજન્ટને વોન્ટેડ જાહેર કરી પ્રતીકના છ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 


વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકરો બનાવી વિઝા એજન્ટોને વેચવાનું રેકેટ 2 - image


સ્ટીકર બનાવતા સાત દિવસ લાગે છે, 10 વર્ષમાં આવા 700 જેટલા ડુપ્લીકેટ વિઝા સ્ટીકરો બનાવ્યા 


સુરત,: પ્રતીકની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવવાનું કામ કરે છે અને અત્યાર સુધીમાં આવા 700 થી વધુ સ્ટીકર બનાવી આપ્યા છે.તેને એક ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવતા સાત દિવસ લાગે છે.તેના વિરુદ્ધ વર્ષ 2017 માં સુરતના ઉમરા પોલીસ મથકમાં આ અંગે કુલ 9 ગુના, તે અગાઉ વડોદરાના ગોરવામાં વર્ષ 2016 માં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હતો,વર્ષ 2022 અને 2024 માં તેણે બનાવેલા ડુપ્લીકેટ વિઝા સ્ટીકર સાથે પ્રવાસ કરતા પ્રવાસી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઝડપાતા ત્યાં પોલીસે ગુનો નોંધ્યો હતો અને ગત ડિસેમ્બર મહિનામાં તેની દિલ્હી પોલીસે ધરપકડ પણ કરી હતી.તે છ મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ફરી આ કામ કરવા લાગ્યો હતો.


વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા સ્ટીકરો બનાવી વિઝા એજન્ટોને વેચવાનું રેકેટ 3 - image


પ્રતીકે બનાવેલા ડુપ્લીકેટ વિઝા સ્ટીકરના આધારે કેટલાક વિદેશ ચાલ્યા ગયા હતા : ડેટા ડીલીટ કરી દીધા છે 


સુરત, : પ્રતીક જે ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવતો તે અદ્દલ જે તે દેશના વિઝા સ્ટીકર જેવા જ લાગે છે.તેના દાવા મુજબ તેણે જે ડુપ્લીકેટ સ્ટીકર બનાવી એજન્ટને આપ્યા હતા અને એજન્ટ જે તે વ્યક્તિને વર્ક વિઝા કે વિઝીટર વિઝા માટે આપ્યા હતા તે વિદેશ ચાલ્યા ગયા હતા.જોકે, પોલીસે તે અંગે વિગતો માંગતા પ્રતીકે જણાવ્યું હતું કે તે ડુપ્લીકેટ વિઝા સ્ટીકર પોતાના લેપટોપમાં બનાવી બાદમાં તેની તમામ ડિટેઈલ્સ ડીલીટ મારી દેતો હતો.


પોલીસથી બચવા પ્રતીક એજન્ટને કુરીયર કરતો તેમાં પોતાના વર્ચ્યુઅલ નંબર લખતો હતો, નેધરલેન્ડનું વીપીએન વાપરતો 


સુરત, : પ્રતીક પોલીસથી બચવા માટે પોતાની ઓળખ છતી નહીં થાય તેની તમામ તકેદારી રાખતો હતો,જેમકે દિલ્હીના એજન્ટે કોઈ વ્યક્તિનો પાસપોર્ટ મોકલી ડુપ્લીકેટ વિઝા સ્ટીકર બનાવવા આપ્યું હોય તો તે બની ગયા બાદ તે દિલ્હી કુરીયર કરતો ત્યારે તેમાં સેન્ડર તરીકે ત્રાહિત વ્યક્તિનું જ નામ અને મોબાઈલ નંબર લખતો હતો.પણ રીસીવર તરીકે પોતાનું નામ અને વર્ચ્યુઅલ નંબર લખતો હતો.આથી જયારે કુરીયર કંપનીમાંથી તેને ફોન કરે ત્યારે તે ત્યાંથી પોર્ટર એપ મારફતે ડ્રાઈવર મોકલી કુરીયર પહોંચાડતો હતો.ઉપરાંત તે નેધરલેન્ડનું પ્રોટોન વીપીએન વાપરતો હતો જેથી તે સરળતાથી ટ્રેસ થતો નહોતો.

Tags :