તળાજામાં પોણો, ઘોઘામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો
- પાલિતાણા અને જેસરમાં ધીમીધારે પાણી વરસ્યું
- ડેમ વિસ્તારમાં પા ઈંચથી લઈ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો
તળાજામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધીમીધારે પાણી વરસાવવાનું શરૂ કરતા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ઘોઘામાં પણ બપોરથી અષાઢી માહોલ વચ્ચે મેઘરાજાએ રાત્રિ સુધીમાં અર્ધો ઈંચથી વધુ વરસાદ વરસાવ્યો હતો. પાલિતાણામાં ચાર મિ.મી. અને જેસરમાં ત્રણ મિ.મી. મેઘમહેર થઈ હતી. બોટાદ જિલ્લામાં આજે વરસાદનો વિરામ રહ્યો હતો. જ્યારે માલપરા, શેત્રુંજી, રજાવળ, ખારો, માલણ, હમીરપરા, પીંગળી, બગડ, રોજકી અને જસપરા (માંડવા) ડેમ વિસ્તારમાં પા ઈંચથી લઈ પોણા બે ઈંચ પાણી વરસ્યાનું સત્તાવાર નોંધાયું છે.
બગડ, રોજકી અને ખાંભડા ડેમમાં પાણીની આવક-જાવક શરૂ
ભાવનગર અને બોટાદ જિલ્લાના રોજકી, બગડ અને ખાંભડા ડેમ ઓવરફ્લો બાદ પણ ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ રહેતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ખાંભડા ડેમમાં ૧૪૮ ક્યુસેક પાણીની આવક-જાવક, બગડ ડેમમાં ૨૧૦ ક્યુસેક અને રોજકી ડેમમાં ૧૮૨ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.