ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
પોલીસે પાર્લરમાં તપાસ કરીને જીવલેણ એવા ૯૫ જેટલા હથિયાર જપ્ત કરી એકની અટકાયત કરી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા
વાસમસેટ્ટી દ્વારા હથિયાર બંધીના જાહેરનામાના અમલ માટે કડક સૂચનાઓ આપવામાં આવી
હતી. જેના અનુસંધાને ચિલોડા પી.આઈ. એસ.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ
સ્કવોડની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું
હતું. દરમિયાનમાં ગઈકાલે નેશનલ હાઇવે નં-૪૮ પર મોટા ચિલોડાથી હિંમતનગર જતા રોડ પર
શિહોલી ગામની સીમમાં આવેલ ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા પાન પાર્લરમાં પોલીસે
તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્લરની અંદરથી પ્રતિબંધિત હથિયારોનો મોટો જથ્થો મળી
આવ્યો હતો. જેમાં ૩૧ નંગ રામપુરી ચપ્પા,
૨૦ નંગ પ્લાસ્ટિકના હાથાવાળી કટાર,
૪૪ નંગ લોખંડના પંચ સહિત ૯૫ જેટલા હથિયાર કબજે કરવામાં આવ્યા હતા.
આ ગેરકાયદેસર વેચાણ કરવા બદલ પોલીસે પાર્લર સંચાલક
સાહિલમહમદ સોકતખાન પરમાર મૂળ રહે. કુંભાસણ,
તા. પાલનપુર, જિ.
બનાસકાંઠાની અટકાયત કરી છે. આરોપી વિરુદ્ધ ગાંધીનગર જિલ્લા કલેક્ટરના હથિયાર
બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


