Gujarat

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો

By GS TEAM
11 Aug 20251 min read
ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો

- માંસનો જથ્થો વાંકાનેરથી ચોટીલા જતો હતો

- ગૌરક્ષકોએ કાર ચાલકને પોલીસને સોંપ્યો, પોલીસે માંસનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલ્યો

સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે ઉપર પવિત્ર શ્રાવણ માસમાં જલારામ મંદિર પાસેથી જીવદયાપ્રેમીઓએ એક કારમાંથી શંકાસ્પદ માસ મટનનો જથ્થો ઝડપી પાડી કાર ચાલકને ચોટીલા પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા ખાતે રહેતા અને ગૌરક્ષક તેમજ ફરિયાદી અનિલભાઈ વિનુભાઈ બોરાણા અને ટીમના ધનરાજસિંહ દિલીપસિંહ પરમાર, હરેશભાઈ છનાભાઈ ચૌહાણ સહિતનાઓએ બાતમીના આધારે રાજકોટ-ચોટીલા હાઈવે પર જલારામ મંદિર પાસે વોચ ગોઠવી હતી. 

જેમાં શંકાસ્પદ હાલતમાં એક નંબર પ્લેટ વગરની કાર પસાર થતાં તેને રોકી ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ ભરતભાઈ મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ સંઘાણી (રહે.બામણબોર) હોવાનું જણાવ્યું હતું. 

કારની ડેકી ચેક કરતા તેમાંથી પાંચથી સાત કાળા કલરના ઝબલામાં ભરેલ શંકાસ્પદ માસ મટનનો જથ્થો મળી આવ્યો હતો આથી કાર સહિત તમામ મુદ્દામાલ ચોટીલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે પોલીસે કબ્જે કરેલ માસ મટનના જથ્થાને એફએસએલ તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

 પવિત્ર શ્રાવણ માસમાં ચોટીલા યાત્રાધામનજીકથી શંકાસ્પદ માસ મટનનો જથ્થો ઝડપાતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં વાંકાનેરથી ચોટીલા તરફ માંસનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.