લક્ઝરી બસમાં સિલિન્ડરમાં સંતાડીને લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રલા પાસે
અમદાવાદના શખ્સે સિલિન્ડરના પાર્સલ મંગાવ્યા હોવાનું બહાર આવ્યું ઃ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસ દ્વારા બાતમીના આધારે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાંથી સિલિન્ડરના પાર્સલમાં સંતાડીને લવાતા વિદેશી દારૃના મોટા જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પાર્સલ મંગાવનારની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
બુટલેગરો વિદેશી દારૃનો જથ્થો ઘુસાડી રહ્યા છે ત્યારે પોલીસની નાકાબંધીઓને કારણે
આવે બુટલેગરો પણ નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને વિદેશી દારૃના જથ્થાને ઘુસાડી
રહ્યા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન
બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવી રહેલી એક લક્ઝરી બસમાં વિદેશી દારૃનો જથ્થો
લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ આ લક્ઝરી બસની વાટ જોઈ રહી હતી અને
તે આવતા તેને ઉભી રાખવામાં આવી હતી ત્યારબાદ તેમાં રહેલા મુસાફરોનો સામાન
તપાસવામાં આવ્યો હતો જો કે મુસાફરોના સામાનમાંથી કઈ મળી આવ્યું ન હતું પરંતુ પોલીસ
પાસે બાતમી ચોક્કસ હોવાથી લક્ઝરી બસની ડેકી ખોલાવવામાં આવી હતી અને તેમાં
સિલિન્ડરના પાર્સલ જોવા મળ્યા હતા. જેના પગલે પોલીસે આ સિલિન્ડર ખોલીને જોતા તેની
અંદર વિદેશી દારૃની ૨૧૬ જેટલી બોટલ મળી આવી હતી. જે સંદર્ભે પૂછપરછ કરવામાં આવતા
બહાર આવ્યું હતું કે ઉદેપુર રેલવે સ્ટેશન ખાતેથી ઉદીયાપોલ પાસેથી ઓટો રીક્ષામાં એક
પાર્સલ લાવીને મુકવામાં આવ્યુ હતુ,
જેને એક નંબર આપવામાં આવ્યો હતો,
તેને અમદાવાદ આવીને ફોન કરવાનો હતો. જોકે, પાર્સલ મંગાવનાર પાસે પહોંચે તે પહેલા પોલીસે પકડી લીધુ
હતુ. ચિલોડા પોલીસે દારૃ અને સિલીન્ડર સહિત ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાર્સલ
મોલકનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.









