Gujarat

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી

By GS TEAM
31 May 20262 mins read
રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની  સ્લિપર કોચે યુવતીને કચડી નાખી

રાંદરડા તળાવ સામે એક્ટિવાને હડફેટે લેતાં પ્રાણઘાતક અકસ્માત : આટકોટની હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત, કૌટુંબિક બહેનને ઈજા : સ્થળ પર એકત્રિત ટોળાંએ બસ ચાલકને ધોલધપાટ કરી

રાજકોટ, : સંત કબીર રોડ પરના નાળા નજીક અને રાંદરડા તળાવ સામે આજે સાંજે ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે એક્ટિવાને હડફેટે લઈ તેની પર સવાર જસદણના વીરનગરની દિપાલી અરવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.રપ)ને કચડી નાખતા અરેરાટી મચી ગઈ હતી. દિપાલીની કૌટુંબિક બહેન કોમલ સચિનભાઈ મુળીયા (ઉ.વ.૩ર, રહે. દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડના કવાર્ટર)ને ઈજા પહોંચતાં તેને સિવિલમાં ખસેડાઈ હતી. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, દિપાલી પરિવાર સાથે આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્કમાં રહેતા કાકા શૈલેષભાઈના ઘરે પ્રસંગમાં આવી હતી, જ્યાંથી કૌટુંબિક બહેન કોમલ સાથે એક્ટિવા પર ભીચરી ગામે સંબંધીને ત્યાં મરણ પ્રસંગમાં જતી હતી ત્યારે ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે તેના એક્ટિવાને હડફેટે લેતાં દિપાલીના શરીર પરથી બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું, જ્યારે કોમલને સામાન્ય ઈજા થતા સિવિલમાં ખસેડાઈ હતી. 

આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે બસ શ્રેયસ ટ્રાવેલ્સની છે. તેના ચાલકની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પર એકત્રિત ટોળાએ બસ ચાલકને ધોલધપાટ પણ કરી હતી.  અકસ્માતનો ભોગ બનનાર દિપાલી એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં કલાર્ક તરીકે નોકરી કરતી હતી.