મોટા ખાડાઓમાં પેવરબ્લોકના ટુકડા ગોઠવી દીધા વડોદરાના છેડે નેશનલ હાઇવેના દરેક બ્રિજો પર ખાડાઓથી જોખમ
સાંકડા જાંબુઆ બ્રિજ પર અસંખ્ય ખાડાથી વાહન વ્યવહારને અસર ઃ મોટી રકમના ટોલની વસૂલાત છતાં હાઇવે પર હેરાનગતિ
વડોદરા, તા.28 વડોદરા શહેરના છેડેથી પસાર થતાં નેશનલ હાઇવે પર દુમાડથી છેક જાંબુઆ સુધીના હાઇવે તેમજ બ્રિજો અને સર્વિસરોડ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન વ્યવહારને અસર થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના દક્ષિણ છેડે આવેલ જાંબુઆ નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી આ બ્રિજ પર હંમેશા ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે પરંતુ વરસાદી ઋતુમાં બ્રિજ પર મોટા મોટા ખાડાઓ પડી જતા ખુબ જ ધીમી ગતિએ વાહનો હંકારવા પડતાં હોવાથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જાંબુઆથી કરજણ તાલુકાના બામણગામ સુધી વાહનોની લાંબી લાઇનો બાદ તંત્ર દોડતું થયું હતું અને જાંબુઆ બ્રિજ પર ખાડાઓનું પુરાણ કર્યુ હોવાના દાવા કર્યા હતા પરંતુ આજે પણ આ બ્રિજ પરથી વાહનને પસાર થવા અનેક ખાડાઓ કૂદાવીને જવું પડતું હતું.
માત્ર જાંબુઆ બ્રિજ જ નહી પરંતુ આજવા, વાઘોડિયા અને કપુરાઇ ક્રોસિંગ પરના બ્રિજ પર પણ અનેક ખાડાઓ પડી જવાથી વાહન વ્યવહારને અસર થતી હોય છે. નેશનલ હાઇવે પરથી પસાર થવા માટે આશરે દર ૬૦ કિ.મી.એ ટોલટેક્ષની મોટી રકમ વાહનચાલકો પાસેથી વસૂલ કરવામાં આવતી હોય છે પરંતુ તેની સામે રોડ પરથી પસાર થવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
માત્ર હાઇવે જ નહી પરંતુ સર્વિસરોડની પણ હાલત ખરાબ થઇ ગઇ છે. અનેક ખાડાઓ પડયા બાદ તેનું પુરાણ કરી દેવામાં આવે છે પરંતુ રોડનું યોગ્ય લેવલ કરાતું નથી. હાઇવે પર મોટા મોટા ખાડામાં તો હાઇવે ઓથોરિટિ દ્વારા પેવલબ્લોક નાંખી દેવામાં આવ્યા છે.