Get The App

પોર ગામ નજીકથી પસાર થતા હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો

ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પણ રોડ પરના ખાડા પૂરાયા નથી : ટુ વ્હિલર ચાલક સામે ગુનો દાખલ કરતી પોલીસ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
પોર ગામ નજીકથી  પસાર થતા  હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો 1 - image

વડોદરા,ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પણ  હજી રોડ પરના ખાડાઓ પૂરાયા નથી. નેશનલ  હાઇવેની પણ હાલત હજી ખરાબ છે. રોડ પરના ખાડા નહીં પૂરાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.  પોર હાઇવે પરના ખાડાના કારણે ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ  પછી જન્મેલા એક ના એક પુત્રને ગુમાવ્યો છે.

શહેર નજીકના  રાંભીપુરા ગામે રહેતા જીગર કમલેશભાઇ પાટણવાડિયા (ઉં.વ.૧૮), આશિક અરવિંદભાઇ પાટણવાડિયા (ઉં.વ.૧૯) તથા જતીન ગિરીશભાઇ પાટણવાડિયાગત મોડીરાત્રે  ટુ વ્હિલર લઇને બર્થડે માં જતા હતા. જતીન ટુ વ્હિલર ચલાવતો હતો. તેઓ પોર  હાઇવે  કે.પી.જી.યુ. યુનિવર્સિટી નજીકથી પસાર થતા હતા.  રોડ પરના ખાડામાં ટુ વ્હિલર પડતા  પાછળનું ટાયર જામ થઇ જતા ત્રણેય રોડ પર પટકાયા હતા. જતીનને ઓછી વત્તી ઇજા થઇ હતી. જ્યારે જીગર તથા આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને માથાના ભાગે ઇજા થઇ હતી.  અકસ્માતના પગલે લોકો ભેગા થઇ એમ્બ્યુલન્સને બોલાવતા બંનેને  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીગર બેભાન હતો.  જ્યારે આશિક ભાનમાં હતો.  ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયો ત્યારે આશિકના માતા - પિતા જમનાબાઇ હોસ્પિટલમાં નાની દીકરીની સારવાર માટે ગયા હતા. ત્યારે ફોન આવતા તેઓ તુરત સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. તે સમયે આશિક બેભાન  હાલતમાં હતો અને તેના  માથામાંથી લોહી નીકળતું હતું. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.જ્યારે જીગરની હાલત હજી ગંભીર છે. વરણામા  પોલીસે આ અંગે ટુ વ્હિલર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અઢી મહિનામાં હાઇવે પરના ખાડામાં  બાઇક પડતા છ ને ઇજા 

વડોદરા,

(૧) તા. ૧૦ - ૦૯ - ૨૦૨૫ ના રોજ દુમાડ બ્રિજ  પર ખાડો આવતા બાઇક ચાલક જીતેન્દ્ર વખતસિંહ પરમાર ( ઉં.વ.૪૬) રોડ પર પટકાતા ઇજા થઇ હતી.

(૨) તા. ૦૮ - ૦૯ - ૨૦૨૫ ના રોજ દુમાડ બ્રિજ નીચે રોડ પરના ખાડામાં પટકાતા બાઇક સવાર કિરણભાઇ પરમાર ( ઉં.વ.૩૦) ને ઇજા થઇ હતી.

(૩) તા. ૧૬ - ૦૯ - ૨૦૨૫ ના રોજ પોર નજીક વરણામા ગામ નજીકના હાઇવે  પરના ખાડામાં બાઇક પડતા નરેશ તડવી અને  સુશીલ સોનીને ઇજા થઇ હતી.

(૪) તા.૧૬ - ૦૯ - ૨૦૨૫ ના રોજ મંજુસર  પોલીસ સ્ટેશનની હદમાં મીરસાપુર ગામ નજીક રોડ પરના ખાડામાં બાઇક પડતા સુનિલ પરમાર અને સંજય ચાવડાને ઇજા થઇ હતી.