પોસ્ટ ઓફિસમાં કામ કરતી વ્યક્તિએ જન્મનો ખોટો દાખલો આપ્યો

વડોદરા,આધાર કાર્ડનું અપડેટ કરવા માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હાલમાં દરેક વોર્ડમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે.કોર્પોરેશનના વોર્ડ - ૧૯, મકરપુરા ગામ પાસે આવેલી કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર સ્નેહલબેને જન્મનું એક પ્રમાણપત્ર મને વોટ્સએપ કરી શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. તે વેરિફાઇ કરતા ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, હું મિટિંગમાંથી તરત જ વોર્ડ ઓફિસમાં આવ્યો હતો. આધાર કાર્ડમાં સુધારો કરવા માટે આવેલા યુગલ પાસેથી દસ્તાવેજો લઇ વેરિફાઇ કર્યા હતા. જન્મના દાખલા પર ગુજરાત સરકાર, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ, જમનાબાઇ હોસ્પિટલ, વડોદરા લખ્યું હતું. જન્મનું પ્રમાણપત્ર લઇને આવનાર વ્યક્તિએ પોતાનું નામ મુકેશ ઉત્તમચંદ ખત્રી (રહે.સ્વામી રેસિડેન્સી, મકરપુરા ડેપોની પાછળ, મૂળ રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે, માંજલપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું કામ કરતા વ્યક્તિ પાસેથી કઢાવ્યું હતું. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.








