ગુજરાતમાં કાયમી પ્રિ-લિટિગેશન લોક અદાલત સ્થપાશે, કોર્ટ કેસ વિના જ પક્ષકારોને ન્યાય
Permanent Pre-Litigation Lok Adalat in Gujarat: કૌટુંબિક વિખવાદો ખાસ કરીને લગ્ન જીવનની તકરારોના નિરાકરણ માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પહેલના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજયમાં કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સ્થાપનાનું આયોજન કરાયું છે. આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલત એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં દંપતિઓની વૈવાહિક તકરાર અને લગ્નજીવનના ઝઘડા સહિતના કૌટુંબિક વિવાદના કેસોમાં સંવાદ અને મધ્યસ્થી દ્વારા સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે. લાંબી કાયદાકીય આંટીઘૂંટી અને કાનૂની કાર્યવાહીમાં ફસાયા વિના કે કોઈપણ ડર કે ચિંતા વિના પક્ષકારોને ન્યાય મળી શકશે.
પતિ-પત્ની અને તેમના પરિજનોના વિખવાદનું સંવાદ-મધ્યસ્થી થકી નિરાકરણ
પ્રિ-લીટીગેશન લોક અદાલતના હુકમનું વજન પણ કોઇ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદા જેટલું જ મજબૂત અને અધિકૃત હશે. ગુજરાત રાજયમાં કોર્ટોમાં દાખલ થતાં કેસોમાં મહ્દઅંશે લગ્ન જીવનની તકરારોના કેસો વધુ હોય છે, તેથી ગુજરાત હાઇકોર્ટની આ ઐતિહાસિક પહેલને પગલે હવે પતિ-પત્ની અને તેમના પરિવારજનોને કાનૂની પ્રક્રિયામાં અટવાયા વિના વાતચીત, મીડિએશન અને કાઉન્સેલીંગના માધ્યમથી જ સમસ્યાનો ઉકેલ મળશે, જે બહુ મોટી વાત કહી શકાય.
આ લોક અદાલત એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજય કાનૂની સેવા સમિતિના પેટ્રન ઇન ચીફ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયના આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતના પ્રોજેકટને આખરી ઓપ અપાઇ રહ્યો છે અને ગણતરીના દિવસોમાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેની અમલવારી કરવામાં આવશે. લગ્ન જીવનના ઝઘડા અને વૈવાહિક તકરારોને લઇ મેજિસ્ટ્રેટ કોર્ટથી લઇ સેશન્સ કોર્ટ અને સેશન્સ કોર્ટથી લઇ હાઇકોર્ટ અને છેક સુપ્રીમકોર્ટ સુધી જુદી જુદી અરજીઓ અને અનેક લીટીગેશન્સ થતા હોય છે, જેમાં પતિ-પત્ની, તેમના સંતાનો, પરિવારજનો સહિતના લોકો લાંબી કાનૂની લડત અને આંટીઘૂંટીઓમાં અટવાતા હોય છે અને વર્ષો સુધી માનસિક, શારીરીક અને આર્થિક હાલાકીનો ભોગ બનતા હોય છે.
સમાજમાં અનેક પરિવારો આવી કાનૂની પ્રક્રિયાઓ અને લીટીગેશન્સના ચક્કરમાં ફસાઇને બરબાદ પણ થતા હોય છે, ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજય કાનૂની સેવા સમિતિના પેટ્રન ઇન ચીફ સુનિતા અગ્રવાલ અને હાઇકોર્ટના જસ્ટિસ તેમ જ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝીકયુટીવ ચેરમેન બીરેન એ. વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં આ વિષયવસ્તુને લઇ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલત સ્થાપવાનું આયોજન કરાયું છે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના મેમ્બર સેક્રેટરી રાહુલ ત્રિવેદીએ આ સમગ્ર મામલે ગુજરાત રાજયના તમામ જિલ્લા કક્ષાના કાનૂની સેવા સત્તામંડળને આવી કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલત સ્થાપવા બાબતનું માર્ગદર્શન આપ્યું છે, જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સૌથી નોંધનીય અને મહત્ત્વની વાત એ છે કે, વૈવાહિક તકરારો કે લગ્ન જીવનના ઝઘડામાં પતિ-પત્ની બંનેને કોર્ટ સુધી મામલો પહોંચે અને લીટીગેશન્સની પ્રક્રિયાઓ શરૂ થાય તે પહેલાં જ પ્રારંભિક તબક્કે જ તેઓને એક સાનુકૂળ પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં આવશે અને તેઓને ખૂબ શાંતિથી સાંભળી, તેમની સાથે સંવાદ કરી મીડિએશન અને વાતચીત મારફતે તેમના પ્રશ્ન કે સમસ્યાનું નિરાકરણ લાવવાનો હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે. આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતનો એકમાત્ર ઉમદા ઉદેશ્ય ગુજરાત રાજયના પરિવારો-કુટુંબોને લાંબી લચક કાનૂની પ્રક્રિયા અને લીટીગેશન્સના ભારણમાં ફસાયા વિના તેઓને ચિંતામુકત કરી સરળ પ્રક્રિયા દ્વારા તેમના વિવાદનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવાનો છે.
બીજું અગત્યનું પાસુ આ લોક અદાલતનું એ રહેશે કે, આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં જે કોઇ કરાર કે સમજૂતી થશે તે એક સિવિલ કોર્ટના જજ દ્વારા આપવામાં આવેલ ચુકાદા જેટલું જ વજનદાર, મજબૂત અને અધિકૃત રહશે. ગુજરાત રાજયમાં આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતનો નજીકના દિવસોમાં જ પ્રારંભ થવાની શકયતા છે. પ્રારંભિક ધોરણે, અમદાવાદમાં ભદ્ર ખાતે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલમાં અને ગ્રામ્ય વિસ્તારો માટે નવરંગપુરા વિસ્તારમાં જૂની હાઇકોર્ટ સ્થિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ કોમ્પલેક્ષમાં આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલત સ્થાપવામાં આવનાર છે. રાજયભરમાં વિવિધ જિલ્લા કક્ષાએ પણ આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતો ઉભી કરવામાં આવશે.
પક્ષકારોને માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસમાંથી મુકિત મળશે
લગ્નજીવનની તકરારોના કેસો અને કૌટુંબિક વિખવાદના કિસ્સાઓમાં પતિ-પત્ની અને તેમના પરિવારજનોને આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતનો કન્સેપ્ટ અમલી બનવાથી માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસમાંથી બહુ મોટી મુકિત મળશે તો, લાંબી અને જટિલ કાયદાકીય આંટીઘૂંટી અને કોર્ટ કાર્યવાહીની ઝંઝટમાંથી પણ મુકિત મળશે. ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળની આ બહુ મોટી અને ઐતિહાસિક પહેલ છે કે, જેના કારણે સામાજિક જીવનમાં લગ્નજીવનની તકરાર-વૈવાહિક વિખવાદોના કેસોમાં પક્ષકારોને સરળ, ઝડપી, બિનખર્ચાળ, સમયની બચત અને ચિંતામુકત ન્યાયનો એક નવો ન્યાયિક અધ્યાય લખાવાની શરૂઆત થશે.