આણંદના લાંભવેલ પાસે ટ્રેલરની ટક્કરે રિક્ષામાં સવાર મુસાફરનું મોત

- જિલ્લામાં બે દિવસમાં અકસ્માતના 3 બનાવ
- મહેળાવ અને ધર્મજ ચોકડી પાસે પીકઅપ ડાલાએ બાઈક અને રિક્ષાને અડફેટે લેતા બેને ઈજા
નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા સોહેલ ભાઈ મુસ્તુફા ભાઈ વ્હોરાનો ભત્રીજો મહંમદ અબરાર મોહસીનભાઈ વ્હોરા ગત રોજ કામ પતાવી આણંદ શહેરની મિનરવા ચોકડીથી રિક્ષામાં પરત જતો હતો. ત્યારે આણંદ નજીકના લાંભવેલ પાસે ટ્રેલરના ચાલકે બેદરકારીથી ટ્રેલર રિવર્સમાં લેતા પાછળ આવી રહેલી રીક્ષાને ટક્કર મારતા મહમ્મદ અબરાર વોહરા સહિતના અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહમ્મદ અબરાર વોહરાનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.
બીજા બનાવમાં બોરસદ તાલુકાના ડભાસી ગામના હરીશભાઈ રમણભાઈ બહેનને મુકવા માટે બાઈક લઈ ચાંગા ગામેથી પરત આવતા હતા. ત્યારે મહેળાવ ચોકડીથી થોડે દૂર પિકઅપ ડાલાની ટક્કરે બાઈક ચાલક હરીશભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવ અંગે મહેળાવ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોધ્યો હતો.
ત્રીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામના ૬૦ વર્ષીય ગીરીશભાઈ વાઘેલા રીક્ષા લઇ પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીથી ખંભાત તરફ જઈ રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલી પીકપ ગાડીના ચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વિના ટર્ન લેતા રીક્ષા બોલેરો ગાડીની પાછળ અથડાઈ હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગીરીશભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બોલેરો પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.








