વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી
- ધોળકાના બળીયાદેવ મંદિર નજીક
- વાવનો અન્ય ભાગ પણ ધસી પડે તેવી સંભવના, દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં ભરવા માંગ
ધોળકા : ધોળકાના બળીયાદેવ મંદિર નજીક વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી બની છે. તેમજ વાવનો અન્ય ભાગ પણ ધસી પડે તેવી સંભવના રહેલી છે. જેથી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.
ધોળકા કલિકુંડ વિસ્તારમાં બળીદાવેનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં અંદાજે બસોથી અઢીસો વર્ષ જુની વાવ આવેલી છે. અહી બળીયાદેવ મંદિરમાં તથા વાવના દર્શન કરવા તથા બાધા આખડી કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વખતે વરસાદ સારો પડતા મંદિરના પટાગણમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યું હતું. પાણી ઓસરી ગયા બાદ છેલ્લા એકાદ બે દિવસમાં આ ઐતિહાસિક જુની વાવની એક ભાગની દિવાલ પડી જતા દર્શનાર્થીઓ માટે જોખમી બની ચુકી છે અને હજુ પણ વાવનો અન્ય ભાગ ધસી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આથી જવાબદાર તંત્ર તથા ખાસ કરીને પુરાતત્વ વિભાગ અહીની મુલાકાત લઇ આ વાવમાં જોખમ રહિત સમારકામ હાથ ધરાવે તે જરૂરી છે. વાવની ઉપરના ભાગે પ્લેવર બ્લોક નાંખવામાં આવેલા છે તેની નીચેની જમીન જો સરકવા માંડતા મોટો ખાડો પડવાની સંભાવના દેખાય છે. અને વાવને અડીને આવેલ નવા જુના બાંધકામોને પણ નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે.