રાજકોટમાં ૨૧૨ વિદ્યાર્થીની મ્યુનિ. શાળા ૧૭ વર્ષથી જર્જરિત મકાનમાં
ભગવતીપરામાં સ્કૂલની મંજુરી નથી ત્યાં કરોડોનું બિલ્ડીંગ
ખડક્યું અને
મનપાના સત્તાધીશોને શિક્ષણને બદલે કરોડોના સ્કૂલ
બિલ્ડીંગમાં જ રસઃ ટોઈલેટની પુરી સુવિધા નથી,બ્લેકબોર્ડ
ભંગાર,૪ નાનકડા
રૃમોમાં શાળા
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને શિક્ષણ માટે સુવિધા આપવામાં નહીં પણ શિક્ષણના નામ પર કરોડો રૃ।.ના બિલ્ડીંગો ખડકી દેવામાં જ રસ હોય તેમ એક તરફ તાજેતરમાં રાજકોટના સાંસદે ભગવતીપરામાં કરોડો રૃ।.નું આંધણ કરીને તોતિંગ હાઈસ્કૂલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું અને ત્યાં શિક્ષણકાર્ય માટે હજુ સરકારની મંજુરી જ નથી ત્યારે બીજી તરફ ઈ.સ.૨૦૦૮થી ચાલતી અને હાલ ૨૨૨ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા નં.૯૯ માટે નાનકડું શાળા બિલ્ડીંગ જ ન હોય એક સામાન્ય અને જર્જરિત ઘરમાં સત્તર વર્ષથી સ્કૂલ ચાલી રહ્યાનું બહાર આવ્યું છે.
આ અંગે આજે યોજાયેલા સામાન્યસભામાં વિપક્ષી નેતા વશરામ
સાગઠીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો પરંતુ,
આવા પ્રશ્નો બોર્ડમાં ચર્ચા થવા દેવાતા નથી. કોઠારીયા રોડ ઉપર ખોખડદડી નદી
પાસે શિવધારા સોસાયટી શેરી નં.૨માં મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ
શાળા નં.૯૯માં ધો.૧થી ૫ના ૨૧૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ, આ શાળા વાસ્તવમાં
એક ભંગાર મકાન છે.
બસ્સો વિદ્યાર્થીઓને ટોઈલેટ જવા માટે માત્ર એક એક ટોઈલેટની
જ સુવિધા છે અને રિસેસમાં લાઈનમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિ છે. વિપક્ષી નેતાએ
વધુમાં જણાવ્યું કે આ સવાસો વારનું મકાન ભાડે રાખી સ્કૂલ ચલાવાય છે જેમાં માત્ર દસ
બાય દસના પાંચ નાનકડા રૃમ છે તેમાં એક તો પ્રિન્સીપાલની ઓફિસ છે અને ચાર રૃમમાં
બસ્સો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકે. સ્કૂલમાં બ્લેકબોર્ડ અત્યંત જર્જરિત છે જેના
પર લખેલું વાંચવું પણ મૂશ્કેલ થાય. આજે
આ અંગે જન.બોર્ડ પૂરું થયા બાદ અપાયેલા જવાબ મૂજબ આ કામચલાઉ વ્યવસ્થા છે પરંતુ, સ્કૂલના બોર્ડ ઉપર તે ઈ.સ.૨૦૦૮થી ચાલે છે તે લખેલું છે. તા.૪-૭-૨૦૨૪ના શાસનાધિકારી દ્વારા આ સ્કૂલ નવી બનાવવા માટે ટી.પી.વિભાગને લખીને જાણ કરાઈ છે પરંતુ, હજુ સુધી ટી.પી.વિભાગ કે શાસકોએ તેમાં રસ લીધો નથી.