વલ્લભીપુરના નશીતપુરની કેરી નદીના પ્રવાહમાં મોટરકાર તણાતા દોડધામ મચી

- જિલ્લાના નશીતપુર ગામે સવારના સમયે બનાવ બન્યો
- મોટરકારમાં નસવાડી ગામના બે વ્યકિત બેઠા હતા, નશીતપુરના લોકોએ મોટરકાર બહાર કાઢી બે લોકોના જીવ બચાવ્યાં
જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે આજે રવિવારે સવારે ૮ કલાકના સમય આસપાસ કેરી નદીમાં ધસમસતા પ્રવાહનમાં એક ઈકો મોટરકાર તણાઈ હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ મોટરકારમાં નસવાડી ગામના બે વ્યકિત હતા તેથી તેઓને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ નશીતપુર ગામના સરપંચ હિરાલાલ રાઠોડને થતા તેઓએ ગામ લોકોને મદદ માટે બોલાવ્યા હતાં.
માનવ સાંકળ બનાવીને દોરડું નાખીને સતત બે કલાકની જહેમત બાદ બે લોકોના જીવ બચાવ્યા હતા અને તાત્કાલિક બાજુના ગામમાંથી જે.સી.બી. લાવીને ઈકો ગાડીને પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બે લોકોના જીવ બચી જતા ગ્રામજનોને હાશકારો થયો હતો.
વહેતા પાણીમાં વાહન તણાવાના બનાવ વધતા સાવચેતી જરૂરી
ભાવનગર સહિત રાજ્યભરમાં વરસાદમાં વહેતા પાણીમાં વાહન તણાવાના બનાવ વધ્યા છે, જેના કારણે કેટલાક લોકોના મોત પણ થયા છે ત્યારે લોકોએ વહેતા પાણીમાં ગાડી નહીં ચલાવી સાવચેત રહેવુ જરૂરી છે. વહેતા પાણીમાં ગાડી નાખવાના બદલે અન્ય રોડનો ઉપયોગ કરવો અથવા જે તે સ્થળે ઉભુ રહી જવુ જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.








