મોટરસાયકલ ચાલકે વહેલી સવારે એલિસબ્રિજ પોલીસની સરકારી બોલેરો કાર સળગાવી દીધી
કાર સળગી જવાથી એક લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ
પોલીસે સીસીટીવી અને આરટીઓની તપાસમાં આગ લગાડનાર શખ્સને ઓળખી કાઢ્યો
અમદાવાદઃ શહેરમાં કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમય દરમિયાન વાહનોમાં તોડફોડ થયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. કેટલાક લુખ્ખા તત્વો દ્વારા ગાડીઓના કાચ તોડીને તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરીને લોકોમાં પોતાનો રૌફ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ગાડી સળગાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહાર સરકારી ગાડી પડી હતી. જેમાં આગ લાગવાની જાણવાજોગ ફરિયાદ ડ્રાઈવર બ્રિજેશભાઈએ આપી હતી. આ ફરિયાદની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં એલિસબ્રિજ ચાર રસ્તા પર આવેલા સરકારી સીસીટીવી ફૂટેજ અમદાવાદ શહેર કંટ્રોલરૂમ ખાતેથી મેળવીને રજૂ કરવામા આવ્યા હતાં. તે ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી.
આ તપાસમાં એક બુલેટ ચાલકે સરકારી ગાડીનો ડ્રાઈવર સાઈડનો પાછળનો દરવાજો ખોલીને ગાડીમાં બેસીને કોઈ ચીજ સળગાવી હતી. જેને ગાડીમાં મુકીને બહાર નીકળી ગયો હતો અને બુલેટ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીદારોને આ બુલેટ ચાલકની તપાસ સોંપતા માલુમ પડ્યું હતું કે, આંબાવાડી ખાતે રહેતો અર્લ ડોનાલ્ડ માર્ક્સ નામનો વ્યક્તિ છે. તે ઉપરાંત આરટીઓમાંથી પણ વાહન આ નામે નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું.
ગાડીમાં લાગેલી આગના કારણે ડ્રાઈવર સીટ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. બાજુની સીટ, વચ્ચેની સીટો તથા સ્ટીયરીંગ, ડેશબોર્ડ અને ડ્રાઈવર સાઈડનો દરવાજો પણ અડધો બળી ગયો હતો. જેના કારણે આ સરકારી વાહનને એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવા પામ્યું છે. આ શખ્સ સામે જાહેર સંપત્તિને નુકસાન કરેલું હોવાથી પબ્લિક પ્રોપર્ટી એક્ટ પ્રમાણે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.