બે જૂથ વચ્ચે ઝઘડો થતાં પોલીસ પહોંચી હતી
ટોળાંએ હાકલા-પડકારા કરી કહ્યું કે આજે તો પોલીસને જવા દેવાની નથીઃ અડધો ડઝન શખ્સોની અટકાયત
ગઈકાલે રાત્રે માનસિંગભાઈ નામના શખ્સે પોલીસને કોલ કરી કહ્યું કે અવધના ઢાળ પર ડેકોરા સ્કાય હિલ્સ પાસે તેની બાજુની ખોલીમાં રહેતાં શખ્સો ઝઘડો કરી રહ્યા છે. જેથી ગાંધીગ્રામ-ર પોલીસ મથક હેઠળની ૧૧ર વાનના કોન્સ્ટેબલ ઉમેશભાઈ બાલાસરા, ડ્રાઈવર રવિભાઈ બાલાસરા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જયાં બે ટોળાં વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેથી નજીકમાં જઈ ઝઘડો બંધ કરાવ્યો હતો. સાથો-સાથ કોલ કરનાર માનસિંગભાઈને લઈ રવાના થતાં હતા ત્યારે ટોળાએ તેમને ઘેરી લીધા હતા. એટલું જ નહીં બંને પોલીસમેનો સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.
તે સાથે જ કોન્સ્ટેબલ ઉમેશભાઈએ ડ્રાઈવર રવિભાઈને મોબાઈલમાં બેસી જવાની અને બીજા પોલીસ સ્ટાફને બોલાવવાની સૂચના આપી હતી. તે વખતે ત્યાં ૧૦ થી ૧પ શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું અને પોલીસની મોબાઈલને ઘેરી લઈ આજે તો પોલીસને જવા દેવા નથી તેમ કહી, હાકલા-પડકારા કર્યા બાદ પથ્થરમારો શરૂ કર્યો હતો.
જેને કારણે પોલીસની મોબાઈલના પાછળની લાઈટ તૂટી ગઈ હતી. જાણ થતાં માલવીયાનગર, ભક્તિનગર અને ક્રાઈમ બ્રાંચની મોબાઈલ સ્થળ પર પહોંચી ગઈ હતી. પથ્થરમારો કરનાર અડધો ડઝન શખ્સોને પોલીસે કોર્ડન કરી બેસાડી દીધા હતા. ત્યાર પછી કોન્સ્ટેબલ ઉમેશભાઈની ફરિયાદ પરથી ટોળા વિરૂધ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
સ્થળ પરથી બસન્ત માજી, દિનેશ, દિપક નાયક, ઠાકુર, નુરફો અને જલધર નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીગ્રામ-ર પોલીસે આ તમામ મજુરોના કોન્ટ્રાકટર ભાવેશ ચૌહાણ (રહે. ઉદયનગર-ર) વિરૂધ્ધ આ મજુરો અંગે પોલીસ સ્ટેશનમાં નહીં જાણ કરવા અંગે જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


