Gujarat

ઉના પંથકમાં વાસનામાં અંધ 3 શખ્સો દ્વારા આધેડ મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ

By GS TEAM
8 Oct 20252 mins read
ઉના પંથકમાં વાસનામાં અંધ 3 શખ્સો દ્વારા આધેડ મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ

એકાકી મહિલા 3 દિવસ સુધી ગંભીર હાલતમાં તરફડતા રહ્યા : નાયબ મામલતદારે પીડિતાનું નિવેદન લીધું : મહિલાને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા: 2 શખ્સ સકંજામાં

ઊના, : ઊના પંથકમાં એક આધેડ મહિલા પર ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવતાં હાહાકાર મચી ગયો છે. દુષ્કર્મ આચરી નાસી ગયેલા ત્રણ નરાધમોને ઝડપી લેવા પોલીસે તપાસ આરંભીને સાંજે બે શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન, ત્રણ દિવસ સુધી ગંભીર હાલતમાં તરફડતા રહેલા મહિલાનું નાયબ મામલતદારે નિવેદન લીધું હતું.

ઊના પંથકના એક ગામમાં એકલા રહેતા 50 વર્ષની વય ધરાવતા આધેડ મહિલાની એકલતાનો લાભ લઇ ત્રણ દિવસ પહેલા ત્રણ નરાધમ શખ્સો તેમને ફોસલાવીને એકાંત સ્થળે લઈ જઈ વારાફરતી ત્રણેય ઈસમોએ તેમની પર દુષ્કર્મ આચરી તેમને ગંભીર હાલતમાં છોડી દઈ નાસી ગયા હતા. ગુપ્ત ભાગોમાં ગંભીર ઇજા થઇ હોવાથી ત્રણ દિવસ સુધી મહિલા તરફડતા રહ્યા હતા. ત્યારબાદ મહિલાએ 7 વર્ષથી તેમની સાથે સંપર્કમાં રહેલા અને હાલ દ્વારકા મચ્છીમારીના કામે ગયેલા એક વ્યક્તિને ફોન કરીને જણાવતા તેમણે તાત્કાલિક દોડી આવી મહિલાને ઊનાની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા મહિલા પર દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનામાં નાયબ મામલતદારે ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધ્યું હતું. મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા હતા. નવાબંદર મરીન પોલીસે મહિલાના નિવેદન આધારે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવાબંદરના સંજય દેવશી મજેઠીયા અને નરેન્દ્ર દેવચંદ બારીયા નામના 2 શખ્સોને સકંજામાં લઈ હજુ એક શખ્સને પકડવા તજવીજ હાથ ધરી છે. આધેડ મહિલા સાથે હેવાનિયતભર્યા આ કૃત્યથી વિસ્તારમાં નરાધમો સામે ફિટકારની લાગણી વરસી રહી છે.