મહેસાણામાં પતંગના પેચ લડાવવામાં મામલો બીચક્યો, પાંચ શખ્સોએ એક આધેડની હત્યા કરી

પાંચ શખ્સોએ આધેડને લોખંડની પાઈપ અને લાકડીઓથી ફટકારતાં મોત નીપજ્યું

પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

Updated: Jan 16th, 2023મહેસાણા, 16 જાન્યુઆરી 2023 સોમવાર

મહેસાણામાં પતંગનો ઉલ્લાસ બબાલમાં પરિણમ્યો હતો. પતંગના પેચ લડાવવા મામલે સોસાયટીના બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો. આ ઝગડામાં માથાભારે શખ્સોએ વૃદ્ધને લાકડી અને લોખંડની પાઈપો ફટકારતાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ શખ્શો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાસી ઉત્તરાયણના દિવસે મહેસણામાં માનવ આશ્રમ ચોકડી પાસેની ઉમાનગર સોસાયટીમાં નાગજીભાઈ પરિવાર સાથે ધાબે પતંગ ચગાવતા હતાં. આ દરિમિયાન સોસાયટીમાં રહેતાં કેટલાક શખ્સોએ પતંગનો પેચ લડાવવાને લઈને માથાકુટ કરી હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ બબાલમાં પાંચેક શખ્સોએ નાગજીભાઈને લાકડી અને લોખંડની પાઈપથી મારતાં તેઓ ગંભીર ઈજા પામ્યા હતાં. ત્યાર બાદ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. 

પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
આ ઘટનામાં પાંચ શખ્સો સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માગીલાલ નાગજીભાઈ વણજારાએ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં ઉત્તરાયણના દિવસે પણ નજીવી બાબતે હુમલોની ઘટના સામે આવી હતી. મહેસાણાના મોહનપુરા ગામે એક યુવકે તમાકુ વાળો માવો આપવાની ના પાડતાં ચાર શખસે તેના ઉપર હુમલો કરી દીધો હતો. એ બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. એમાં ચાર શખસે બે યુવક અને એક મહિલા પર છરી વડે હુમલો કરતાં એક યુવકને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર એથે ખસેડાયો હતો.


    Sports

    RECENT NEWS