Gujarat

ડેસરના બળેવીયા ગામના આધેડનું મેસરી નદીમાં ડૂબી જતાં મોત

By GS TEAM
28 Jun 20252 mins read
ડેસરના બળેવીયા ગામના આધેડનું મેસરી નદીમાં ડૂબી જતાં મોત

- આધેડ પોતાના મિત્ર સાથે ચેકડેમ પર મચ્છી મારવા ગયો હતો

ડેસર : ડેસર તાલુકાના વક્તાપુરા પાસેના બળેવીયા ગામનો આધેડ મેસરી નદીના ચેકડેમ પર મચ્છી મારવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નિપજ્યું હતું.

વક્તાપુરા ગ્રામ પંચાયતમાં આવતા પેટાપરા બળેવીયા ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ (ઉ.વ.૪૨) તેઓ પત્ની અને બાળકો સાથે રહી ખેત મજૂરી કરે છે.ગત ૨૫ ના રોજ ધર્મેન્દ્રસિહ મિત્ર સાથે મેસરી નદી તરફ મચ્છી મારવા જઈએ છીએ તેમ કહી નીકળેલ. સાંજ સુધી પરત નહી ફરતા તેમની  પત્ની મોડી રાત સુધી શોધખોળ ં કરી પરંતુ નહીં મળતા તેમના મિત્ર વિક્રમસિંહ ઉર્ફે સુભાષભાઈ પ્રવીણભાઈ ગોહિલને પૂછતા તેને જણાવ્યું કે અમે બપોરે ૩ વાગ્યે ઊંડા પાણીમાં મચ્છી મારવા માટે ઉતર્યા હતા.તે વખતે ધર્મેન્દ્રસિંહ ગોહિલ ઊંડા પાણીમાં ડૂબી ગયેલો તેને બચાવવામાં બહુ પ્રયત્ન કર્યા પરંતુ તે ડૂબી જતાં તેને બચાવી શક્યો ન હતા.જેથી હું પરત ઘરે આવી ગયો તે બાદ બીજે દિવસે તેની શોધખોળ આદરતા નદીમાં જ તેમજ ચેકડેમ પાસે ઊંડા પાણીમાં તપાસ કરી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.બળેવીયાથી લઈ કડાછલા સુધી મેસરી નદીમાં તેની સ્થાનીક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. આખરે વડોદરા એસ.ડી.આર.એફ ટીમની મદદ લઈ શોધતા ગત રાત્રે વાંકાનેડા ગામની સીમ પાસેથી પસાર થતી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેને ડેસર સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ડેસર પોલીસે આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી હતી.