વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામમાં ગાયની હત્યાને લઈને હિંદુ-મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ઘટના બાદ સ્થાનિક મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગૌ હત્યા મુદ્દે નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજે ગૌહત્યામાં જે મુસ્લિમ ઝડપાસે તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરાશે.
મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામમાં ગૌહત્યાને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. સમગ્ર મામલે મુસ્લિમ સમાજના અગ્રણીએ બેઠક યોજી હતી. જેમાં મુસ્લિમ સમાજે એક ઠરાવ પસાર કરીને જણાવ્યું હતું કે, જો હવે કોઈપણ મુસ્લિમ વ્યક્તિ ગૌહત્યા જેવા કૃત્યમાં સંડોવાયેલો જણાશે તો તેને સમાજમાંથી કાયમી ધોરણે બહાર કાઢવામાં આવશે. તેમજ આવા વ્યક્તિને મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુસ્લિમ સમાજે વધુ સ્પષ્ટ કર્યુ કે, ગૌહત્યા કરનારા સાથે સમાજ કોઈ પ્રકારે વ્યવહાર નહીં રાખે અને સરીગામ સહિતના વિસ્તારમાંથી તેમને રહેવાનો કોઈ નૈતિક અધિકાર રહેશે નહીં. મુસ્લિમ સમાજે કહ્યું કે, 'અમે હિંદુ ભાઈઓ સાથે છીએ અને ગૌવંશની રક્ષા માટે ઊભા છીએ. ગૌહત્યા કરનારાને અમે મુસ્લિમ માનતા નથી.'









